વડોદરામાં યાકુતપુરાના મદાર મોહલ્લામાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા મહંમદ ઉવેશ મલેકે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું ઇદગાહા મેદાન પાસે ગણેશ કમ્પાઉન્ડમાં એસ.કે ટ્રેડર્સ નામની ઇલેક્ટ્રોનિક્સ ભંગારનો ધંધો કરું છું. ગત 26મી જાન્યુઆરીએ સાંજના 4:00 વાગે હું તથા મારો મિત્ર દિવ ઠક્કર ગોડાઉન પર હતા ત્યારે મારો મિત્ર મોઈન આવ્યો હતો અને અમે વાતો કરતા હતા. સાંજના પાંચ વાગે બે વ્યક્તિઓ અમારા ગોડાઉન પર આવ્યા હતા. ગોડાઉનમાં પડેલું ભંગાર જોઈને કહેવા લાગ્યા કે આ ચોરીનો માલ છે. તેઓએ પૂછ્યું હતું કે આનાથી તમે બોમ્બ બનાવો છો તેઓએ જીએસટીનું બિલ તથા માલનું બિલ માંગ્યું હતું. મેં જણાવ્યું હતું કે મારો ધંધો પાંચ લાખથી વધારે નથી એટલે જીએસટી બિલ નથી. ત્યારબાદ આ લોકો મારા ગોડાઉનમાં પડેલા માઉસ. કીબોર્ડ સર્કિટ તથા અન્ય સામગ્રીનો વિડીયો ઉતારવા લાગ્યા હતા. તેઓને પૂછતા જણાવ્યું હતું કે તમે વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી છે અને તું કોણ છે એમને પૂછવાવાળો..તું અમારો સાહેબ છે ?

ત્યારબાદ એક વ્યક્તિ બેગમાં કેમેરો અને માઈક લઈને આવ્યો હતો અને હું પ્રેસમાં છું તેમ જણાવી ગોડાઉનમાં પડેલા સામાનનો વિડીયો ઉતારવા લાગ્યો હતો. વાતચીત દરમિયાન આરોપીએ દિનેશ કહીને અન્યને બોલાવતા મને જાણ થઈ કે તેનું નામ દિનેશ છે આ દિનેશ નામના વ્યક્તિએ મને કહ્યું કે તારે જો કેસની પતાવટ કરવી હોય તો પાંચ લાખ આપી દે નહિતર તને ગુનામાં ફિટ કરી દઈશ… આટલા રૂપિયા મારી પાસે નહીં હોવાનું જણાવતા તેને કહ્યું કે એક લાખ તો આપવા જ પડશે નહીંતર ગુનામાં ફિટ કરી દઈશ અને પ્રેસમાં આવશે તે અલગ. મેં મારા પિતાને ભાઈને બાબતે જાણ કરતા તેઓએ કહ્યું કે આપણા ઘરમાં બહેનના નિકાહ છે. સમાચારમાં આવશે તો આપની બદનામી થશે એટલે મેટર પૈસા આપીને તારી રીતે પતાવી દે. મેં 60000 ઉપાડીને આપ્યા હતા.
ત્યારબાદ બીજી વખત પણ પોલીસના સ્વાંગમાં બે આરોપીઓ આવ્યા હતા અને મારા મિત્ર મોઈને મધ્યસ્થી કરીને મામલો પતાવ્યો હતો જે વખતે પણ મેં રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ મને જાણ થઈ હતી કે મોઈને જ તેના મિત્રો કે જે બાઉન્સરનું કામ કરે છે તેઓની સાથે મળીને પોલીસ કેસની ધમકી આપી મારી પાસેથી 1.10 લાખ પડાવી લીધા હતા.

