અછોડાતોડો હવે સોસાયટીના આંતરિક રોડમાં પણ ઘૂસીને સોનાની ચેન તફડાવી રહ્યા છે. શહેરના હરણીરોડ પરની સોસાયટીમાં રાત્રે વોક કરતા વૃધ્ધના ગળામાંથી સોનાની ચેન આંચકી બાઇકસવાર બે ગઠિયા ફરાર થઇ ગયા હતાં.

હરણીરોડ પરની નાગેશ્વર સોસાયટીમાં રહેતા કૃષ્ણકાંત ઘનશ્યામભાઇ શાહે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું સાવલીમાં ફાઇનાન્સની પેઢી ચલાવું છું. તા.૧૮ની રાત્રે સાડા નવ વાગે હું અને મારી પત્ની ભાવના બંને નિત્યક્રમ મુજબ સોસાયટીના અંદરના રોડ પર ચાલતા હતાં.
દરમિયાન બાઇક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતાં. એક શખ્સે પાછળથી અચાનક આવી મારા ગળામાં પહેરેલી તુલસીના મણકાવાળી સોનાની ચેન એક તોલા વજનની આંચકી લીધી હતી. દરમિયાન હું નીચે પડી ગયા બાદ ઊભો થઇને હું તેમજ પત્ની બંને ચેનની લૂંટ કરીને ભાગતા શખ્સને પકડવા જતા તે આગળ ઊભેલી બાઇક પર બેસી બંને ફરાર થઇ ગયા હતાં. ચેનની લૂંટ કરનાર શખ્સે કાળુ જેકેટ, મોઢા પર રૃમાલ બાંધ્યો હતો અને માથા પર ટોપી પહેરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

