વડોદરા હાઇવે પરથી પસાર થતી દારૂ ભરેલી કારને નંદેસરી પોલીસે ઝડપી પાડી 5.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે હરિયાણાના ત્રણ ખેપિયાની પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા હાઈવે પર ભારત માલા બ્રિજ પાસે નંદેસરી પોલીસની ટીમ દ્વારા દુમાડથી વાસદ તરફ જઈ રહેલી કારને આંતરી ચેક કરતા અંદરથી 3.95 લાખની કિંમતની દારૂની 1164 બોટલ મળી આવી હતી. પોલીસે રોકડા રૂ.6200, કાર અને બે મોબાઈલ પણ કબજે કર્યા હતા.
પોલીસે કારમાંથી ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. જેમની પૂછપરછ દરમિયાન તેમના નામ (1) દીપક અજીતસિંહ જાટ(બાદલી ગામ, જિ. ગજ્જર)(2) મનદીપ રામકુમાર જાટ(મયુર વિહાર સોસાયટી,સોનીપત) અને (3) અમિત સુરજ ભાણ (કિલોઈ ગામ, રોહતક) જણાઈ આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ભાવનગર તરફ પહોંચાડવાનો હોવાની માહિતી ખૂલી છે. પરંતુ વધુ તપાસ માટે પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરનાર છે.

