મૃત વ્યક્તિના આધારકાર્ડનો દૂરપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે ઘરે જઈને આધારકાર્ડનું વેરિફિકેશન કરવાની સૂચના અંતર્ગત વડોદરા મ્યુ. કોર્પોરેશન દ્વારા 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે.

વડોદરા સહિતના વિવિધ શહેરો અને તાલુકાઓ-જીલ્લાઓ અને ગામોમાં પણ આ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થશે. જેમાં શહેરી વિસ્તારોમાં મ્યુ.કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા અને ગ્રામ્ય વિસ્તારોમાં કલેકટર કચેરીના કર્મચારીઓ દ્વારા 100થી વધુ વયની વ્યક્તિઓના ઘરે જઈને વેરિફિકેશન કરાશે. જો તે સરનામે તે વ્યક્તિ નહીં રહેતા હોય તેની પણ વિગત નોંધવામા આવશે. જો 100થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધારકાર્ડ ડેટામાં એક્ટીવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધારકાર્ડ રદ કરાશે. જેથી મૃત વ્યક્તિના આધારનંબર-કાર્ડનો અન્ય કોઈ પણ દ્વારા કોઈ પણ રીત દૂરુપયોગ ન થાય. આ અંગે મ્યુ. કોર્પોરેશનના સેન્સસ ઓફિસર સમીક જોશીનું કહેવું હતું કે, હાલ વડોદરામાં 100 વર્ષથી વધુની ઉંમર ધરાવતા 61 વ્યક્તિઓનું વેરિફિકેશન થશે. ત્યારબાદ તબક્કાવાર વધુ માહિતી મળતા વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ રહેશે. જેથી તેઓ હયાત છે કે નહીં ? તે અંગેની પણ ખાતરી થશે. મ્યુ.કોર્પોરેશનની વસ્તી ગણતરી કચેરીના કર્મચારીઓની ૩ ટીમ વેરિફિકેશન માટે જશે. લેભાગુ તત્વો સક્રિય ન થાય તે માટે નાગરિકોએ સર્વે માટે ઘરે આવનાર વ્યક્તિની આઇડેન્ટી ચકાસવી જરૂરી છે. ડેથ સર્ટિફિકેટનો ખોટો ઉપયોગ અટકાવવા સરકારનો આ પ્રયાસ છે.

