ગોરવા વિસ્તારમાં રહેતી એક યુવતીની ગળે ટૂંપો દઈને કરાયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યામાં મૃતકની સગી મોટી બહેન અને તેના પુરૂષ મિત્રની સંડોવણી ખુલી છે. હત્યાનું મુખ્ય કારણ મૃતક યુવતીનો 40 લાખ રૂપિયાનો વીમો હતો, જેમાં મોટી બહેનનું નામ વારસદાર તરીકે લખાવવામાં આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને આજે શનિવારે આરોપીઓને લઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

હત્યાનું કાવતરું: 40 લાખનો વીમો અને વારસદાર બહેન
પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા અંકોડિયા ગામની સીમમાંથી અજીઝાબાનુ મુસ્તુફાભાઇ દિવાન (રહે. આમ્રપાલી સોસાયટી, ગોરવા)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં અજીઝાબાનુ બનાવના દિવસે એક ટુ-વ્હીલર પર જતી જોવા મળી હતી.
પોલીસે મોપેડના નંબરના આધારે ટુ-વ્હીલરના ચાલક રમીઝ રાજા હનિફભાઇ શેખ (રહે. ગોરવા)ને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં રમીઝે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે મરનાર અજીઝાબાનુની મોટી બહેન ફીરોજાબાનુ ઉર્ફે અનીષા અખ્તરશા દિવાન (રહે. ગોરવા) સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
પાંચ વર્ષની મિત્રતા અને વીમાની લાલચ
પોલીસના જણાવ્યા અનુસાર, રમીઝ શેખ અને ફીરોજાબાનુ વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી મિત્રતા હતી. આ બંનેએ માત્ર 15 દિવસ અગાઉ જ અજીઝાબાનુનો 40 લાખ રૂપિયાનો વીમો ઉતાર્યો હતો અને તેમાં વારસદાર તરીકે ફીરોજાબાનુનું નામ લખાવ્યું હતું. આ વીમાની રકમ મેળવવાની લાલચે જ બંનેએ મળીને અજીઝાબાનુની હત્યા કરી હતી.
પોલીસે હાથ ધર્યું રીકન્સ્ટ્રક્શન
હત્યાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ પોલીસ આજે (શુક્રવારે) મુખ્ય આરોપી રમીઝ શેખને લઈને ઘટનાના સ્થળોએ પહોંચી હતી. સૌપ્રથમ ગોરવા ખાતે જ્યાંથી ઘટના શરૂ થઈ હતી, ત્યાંથી લઈને અંકોડીયા ગામની સીમમાં જ્યાં લાશ ફેંકવામાં આવી હતી, ત્યાં સુધી પોલીસ દ્વારા હત્યાનું રીકન્સ્ટ્રક્શન (ઘટનાનું પુનરાવર્તન) કરવામાં આવ્યું હતું.
પોલીસની આ કાર્યવાહી જોવા માટે ઘટનાસ્થળો પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

