શેરબજારનું કામકાજ કરતા એક યુવકને પાંચ કરોડની લોન અપાવવાનું કહીને ઠગ ત્રિપુટીએ ૯.૯૩ લાખ પડાવી લેવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ઠગ ત્રિપુટી પૈકીના ઓફિસ સંચાલકને ઝડપી પાડી માંજલપુર પોલીસને સોંપ્યો છે.

તાપી જિલ્લાના માલીવાડ ગામે રહેતા અને શેરમાર્કેટમાં ટ્રેડિંગનું કામ કરતા રાહુલ વાનખેડેને શેર માર્કેટમાં નુકસાન થતાં લોન મેળવવા માટે બેન્કોમાં સંપર્ક કરતા હતા.જે દરમિયાન નવસારીમાં રહેતા મિત્ર રાકેશ દેસાઇએ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સહયોગ ફાઇનાન્સ નામની ઓફિસ ધરાવતા રાજેશ અભયસિંહ ચાવડા (રહે.લાડુબા નગર, મહેશ કોમ્પલેક્સ પાસે, વાઘોડિયા રોડ )અને તેમના ભાગીદાર નયનાબેન મનહરસિંહ મહિડા (રહે.દીપ દર્શન સોસાયટી, ઓલ્ડ પાદરા રોડ) સાથે સંપર્ક કરાવ્યો હતો.યુવકે ફરિયાદમાં કહ્યું હતું કે,તા.૨-૭-૨૦૨૪ ના રોજ હું રાજેશભાઈની ઓફિસે ગયો હતો અને પાંચ કરોડની લોનની વાત કરી હતી.જે બદલ મેં તેમને અને મેં તેઓને ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ રૃ.૯.૯૩ લાખ ચૂકવ્યા હતા.રાજેશે અમદાવાદના શિવકુમાર સાથે પરિચય કરાવ્યો હતો અને રોકડા ૫ કરોડ આપવાની વાત કરી હતી.પરંતુ મને રૃપિયા મળ્યા નહતા.જેથી રકમ પરત માગતા આરોપીઓએ ઝપાઝપી કરી ધમકી આપી હતી.
આ ગુનામાં લાંબા સમયથી ફરાર થયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી.જે દરમિયાન ફરાર ઓફિસ સંચાલક રાજેશ ચાવડા વિશે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાં વોચ રાખી ઝડપી પાડયો હતો.

