કારેલીબાગ વિસ્તારમાં ગુજસીટોકના ગુના હેઠળ પકડાયેલી નામચીન કાસમઆલા ગેંગનો જામીન પર છૂટેલો સાગરીત એમડી ડ્રગ્સ સાથે ઝડપાતાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજસીટોક હેઠળ પકડાયેલી જુદીજુદી ગેંગના જામીન પર છૂટયા હોય તેવા સાગરીતો પર પોલીસ નજર રાખી રહી છે ત્યારે વર્ષની શરૃઆતમાં પકડાયેલી કારેલીબાગ ભૂતડીઝાંપા વિસ્તારની કાસમઆલા ગેંગનો સાગરીત સાહિદ ઉર્ફે ભૂરિયો જાકીરભાઇ શેખ પણ પોલીસના રડારમાં હતો.
હુજરત ટેકરા ખાતે રહેતો સાહિદ હાલમાં ડ્રગ્સનો ધંધો કરતો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવરની ટીમે પરોઢિયે દરોડો પાડયો હતો.જે દરમિયાન સાહિદ પાસેથી રૃ.૬૨૪૦ની કિંમતનું ૨.૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે તેનો મોબાઇલ કબજે લીધો હતો અને ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતાં ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટયા બાદ તેણે સુરતના આમરોલી ખાતે કોસાડ આવાસમાં રહેતા સાજીદ એહમદ પટેલ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની વિગત બહાર આવતાં પોલીસે સાજીદને વોન્ટેડ જાહેર કર્યો છે.
10 દિવસ પહેલાં ટ્રેનમાં 20 ગ્રામ ડ્રગ્સ લાવ્યો હતો,માત્ર 2.80 ગ્રામ રહ્યું હતું
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇએ આરોપી સાહિદ શેખની પૂછપરછ કરતાં તેણે દસ દિવસ પહેલાં ટ્રેનમાં સુરત જઇ સાજીદ પટેલ પાસેથી રૃ.૬૦ હજારની કિંમતનું ૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ લીધું હોવાની વિગતો ખૂલી હતી.જેનો અર્થ સાહિદે દસ દિવસમાં જ મોટાભાગના ડ્રગ્સનો નિકાલ કરી દીધો હતો. જેથી પોલીસે તેની પાસે બચેલું ૨ ગ્રામ ૮૦મિલિ ડ્રગ્સ અને મોબાઇલ કબજે લઇ તેના સંપર્કમાં રહેતા ગ્રાહકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે..

