ઓરિસ્સાથી ગુજરાત તરફ આવતી ટ્રેનોમાં નશાકારક પદાર્થ ગાંજાની મોટાપાયે હેરાફેરી થતી હોય છે. આ ટ્રેનમાં બિનવારસી ગાંજો મૂકી તેના પર કેરિયરો વોચ રાખતા હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગાંજો ઝડપાઇ જાય છે. વડોદરા રેલવે સ્ટેશન પર નશાકારક જથ્થો શોધતા ફાસ્ટર ડોગે બે બેગમાંથી ગાંજો શોધી કાઢી પોલીસનું કામ સરળ કરી આપ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આવી ત્યાંથી ઉપડતી પુરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે એસઓજીના માણસો દ્વારા પેટ્રોલિંગ ગઇરાત્રે હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૬ પર આવતા ટ્રેનમાં ચેકિંગ કરતા પોલીસના માણસોને એસ-૧ કોચ અને જનરલ ડબ્બાની વચ્ચેના કોરિડોરમાં એક બેકપેક તેમજ એક થેલી બિનવારસી હાલતમાં શંકાસ્પદ જણાઇ હતી.
બંને બેગમાં નશાકારક પદાર્થ હોવાની આશંકા સાથે રેલવે હેડક્વાર્ટરથી એનડીપીએસ ડોગ ફાસ્ટરને તેના હેન્ડલર સાથે બોલાવાયો હતો. ડોગને શંકાસ્પદ બેગ પાસે લઇ જતાં જ અંદર મૂકેલ નશાકારક પદાર્થની ઓળખ કરી તે ભસવા લાગ્યો હતો. બાદમાં પોલીસે બેગ ખોલી તપાસ કરતાં અંદરથી દોઢ લાખ કિમતનો ૧૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

