પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ પર આવતીકાલે તા.1 જાન્યુઆરીથી ટ્રેનોની નવી સમયસૂચિ અમલમાં મૂકવામાં આવી રહી છે. નવી સમયસૂચિ અંતર્ગત વિવિધ સ્ટેશનો પર કુલ 77 ટ્રેનોને વહેલી કરવામાં આવી છે, જેના કારણે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 1થી 15 મિનિટ વહેલી પહોંચશે. તે જ રીતે, 23 ટ્રેનોને મોડી કરવામાં આવી છે, જેમાં આ ટ્રેનો 2થી 40 મિનિટ મોડેથી પહોંચશે.

વડોદરા વિભાગના નડિયાદ, આણંદ, ભરુચ, અંકલેશ્વર, ગોધરા, છાયાપુરી અને એકતા નગર સહિતના સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારના કારણે કેટલીક ટ્રેનો અગાઉ કરતાં વહેલી તો કેટલીક મોડેથી તેમના નિર્ધારિત સ્ટેશનો પર પહોંચશે.
ભરૂચ–સુરત મેમુ, વડોદરા–દહાણુ રોડ સુપરફાસ્ટ, વડોદરા–સુરત મેમુ, ગોધરા–વડોદરા મેમુ તથા આણંદ–વડોદરા મેમુ ટ્રેનોને 5 મિનિટ વહેલી કરવામાં આવી છે. એટલે હવે આ ટ્રેનો પોતાના પ્રારંભ સ્ટેશન પરથી 5 મિનિટ વહેલી રવાના થશે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને અલીરાજપુર–પ્રતાપનગર મેમુ ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અલીરાજપુર સ્ટેશન પરથી બપોરે 4:15 વાગ્યાના સ્થાને 4:30 વાગ્યે પ્રસ્થાન કરશે.
વડોદરા સ્ટેશન પર આવતી અને જતી કુલ 23 ટ્રેનોને 5થી 15 મિનિટ મોડી કરવામાં આવી છે, જ્યારે 7 ટ્રેનોને 5થી 12 મિનિટ મોડી કરવામાં આવી છે. એકતા નગર સ્ટેશન પર એકતા નગર–અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ અને એકતા નગર–અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલને મોડી કરવામાં આવી છે, જ્યારે એકતા નગર–હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને એકતા નગર–પ્રતાપનગર મેમુને મોડી કરવામાં આવી છે.
આણંદ સ્ટેશન પર 18 ટ્રેનોને 5થી 7 મિનિટ વહેલી અને 4 ટ્રેનોને 12 મિનિટ મોડી કરવામાં આવી છે. નડિયાદ સ્ટેશન પર 14 ટ્રેનોને 5થી 10 મિનિટ વહેલી અને 2 ટ્રેનોને 2 મિનિટ મોડી કરવામાં આવી છે. ગોધરા સ્ટેશન પર 4 ટ્રેનો મોડી કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર પણ અનેક ટ્રેનોને વહેલી કરવામાં આવી છે, જ્યારે છાયાપુરી સ્ટેશન પર 3 ટ્રેનોને 2 મિનિટ મોડી કરવામાં આવી છે.

