એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એમકોમના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ૫૦ કોમ્પ્યુટરની એક લેબોરેટરી બનાવવાના પ્રસ્તાવને યુનિવર્સિટી સત્તાધીશોએ લીલી ઝંડી આપી છે.

મળતી વિગતો પ્રમાણે ડોનર્સ પ્લાઝા ખાતે આવેલા એમકોમ બિલ્ડિંગમાં આ લેબોરેટરી માટે જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે અને પ્રાથમિક કામગીરી પણ શરુ કરી દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે બીકોમના વિદ્યાર્થીઓ માટે ૧૦૦ કોમ્પ્યુટર સાથેની લેબોરેટરી શરુ કરવામાં આવી હતી.હવે ફેકલ્ટીમાં બહુ જલ્દી બીજી કોમ્પ્યુટર લેબોરેટરીની સુવિધા ઉભી થશે.
ફેકલ્ટી ડીન પ્રો. જે કે પંડયાએ કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ વિદ્યાર્થીઓ ઈલેક્ટિવ વિષયોની પસંદગી કરે છે અને તેના માટે કોમ્પ્યુટરનો ઉપયોગ જરુરી છે.જેમ કે અત્યારે બીકોમના વિદ્યાર્થીઓ એકાઉન્ટિંગ પેકેજ શીખવા માટે, જીએસટીના કોર્સ માટે કે પછી ડેટા એનાલિટિક્સના કોર્સ માટે આ કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરે છે.આ જ રીતે એમકોમના વિદ્યાર્થીઓને પણ કોમ્પ્યુટર લેબોરેટરી ઉપયોગી પૂરવાર થશે.આ લેબોરેટરી પાછળનો તમામ ખર્ચ યુનિવર્સિટીના બજેટમાંથી કરવામાં આવશે.

