વડોદરાના કમાટીબાગમાં યોજાયેલા બાળમેળામાં ચોર ટોળકીએ અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાના બનાવો બન્યા છે. પોલીસે એક મહિલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 26 જાન્યુઆરીને અનુલક્ષીને બાળમેળો યોજવાની પરંપરા છે. કમાટીબાગ ખાતે યોજાયેલા બાળમેળામાં ગઈકાલે ધાર્યા કરતા વધુ ભીડ થઈ જતા અંધાધુંધી સર્જાઇ હતી.
ભીડનો લાભ લઈ ચોર ટોળકી પણ સક્રિય થઈ હતી અને 15 થી વધુ જેટલા લોકોના મોબાઈલ તેમજ પર્સની ચોરી કરી હોવાની માહિતી મળી છે. આ પૈકી કેટલીક મહિલાઓ સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ કરી હતી.
આ તબક્કે એક યુવકે સીસીટીવી ફૂટેજ તપાસીને એક મહિલાને ઝડપી પાડી પોલીસને હવાલે કરી હતી. જેથી પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. બાળમેળામાં ભાગ લેનારા લોકોએ મેળાના વખાણ કર્યા હતા,પરંતુ કોઈ પણ પ્રકારની સુરક્ષા તેમજ વ્યવસ્થા નહીં હોવાના આક્ષેપો કર્યા હતા.

