વડોદરા શહેરના ગદાપુરા વિસ્તારમાં આવેલ અને વોર્ડ નં.11માં સમાવિષ્ટ વુડાના આવાસોમાં પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધા અંગે રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

રહીશોનું કહેવું છે કે, અહીં કુલ 576 જેટલા આવાસો છે. લાંબા સમયથી ડ્રેનેજ લાઈનો ચોકઅપ છે, જેના કારણે ચોમેર ગંદકી વ્યાપી રહી છે. લોકોના અવરજવર ઉપરાંત દૈનિક જીવનમાં પણ ભારે મુશ્કેલી ઉભી થઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પીવાનું પાણી પણ દૂષિત આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં બીમારીઓ ફેલાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને સિનિયર સિટીઝન પર તેની અસર વધુ પડી રહી છે. સતત રજૂઆતો છતાં મ્યુ. કોર્પોરેશન તરફથી યોગ્ય કાર્યવાહી ન થતાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક પાણી-ડ્રેનેજની સમસ્યાઓનું નિરાકરણ લાવે, નહીં તો રહીશોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

