સ્વામી નારાયણ સંપ્રદાયનાં પવિત્ર તીર્થધામ વડતાલ ખાતે હાલમાં ચાલી રહેલાં શિક્ષાપત્રી લેખન એવમ્ આચાર્યપદ સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવમાં ગઈકાલે વડતાલ ધામની અલૌકિક અને દિવ્ય એવી અક્ષરધામ તુલ્ય સભામાં એક હરિભક્ત દ્વારા વડતાલ ધામમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ માટે સોનાનો જડતર કલાકારીવાળો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ બેનમૂન જડતર કલાકારીગરી ધરાવતો હાર વડોદરા શહેરમાં ગોરવા ખાતે ગોપી જવેલર્સ નામની ચોકસીની દુકાન ધરાવતાં અને મૂળ વડોદરા જિલ્લાનાં ડભોઈના વતની મિતેશભાઇ સૂર્યકાંતભાઈ સોની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જવેલર્સ પરિવારને તેમનાં ગુરુજી શ્રી પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી વિશ્વ વલ્લભ સ્વામીજી ( પીજ )ની આજ્ઞાથી સોનાનો જડતર કલાકારીવાળો અલૌકિક હાર તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ ગોપી જ્વેલર્સ માટે એક ખૂબ જ આનંદ અને ઉમંગની પળ હતી. જેમાં તેમનાં પરિવારનો હરિકૃષ્ણ મહારાજ માટેનો ભાવ પ્રગટ કરવાનો મોકો મળ્યો હતો. તેમનાં ઉપર વિશ્વાસ રાખીને ગુરુજી દ્વારા તેમને શ્રી હરિકૃષ્ણ મહારાજ માટેનો આ સુવર્ણનો જડતર જડિત હાર બનાવવાનું કામ તેમને અપાયું હતું તે તેમનાં માટે ધન્ય ઘડી બની રહી હતી. આ કામ જવેલર્સ પરિવાર માટે અત્યંત ગૌરવ અને આશીર્વાદ સમાન છે. આ સેટના કામને તેઓએ માત્ર કામ તરીકે નહીં, પરંતુ ભક્તિ અને માન સાથે હૃદયપૂર્વક પૂર્ણ કર્યુ હતું. દરેક નાની કારીગરીમાં શ્રદ્ધાનો સ્પર્શ અપાયો છે અને દરેક ભાગમાં ભગવાન પ્રત્યેની ભાવના સમાયેલી હતી. આવી પવિત્ર સેવા મળવા બદલ સમગ્ર ગોપી જવેલર્સ પરિવારે ગુરુજીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

