વડોદરાના છાણી વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન મળી આવ્યું છે. પોલીસે બિશ્નોઇ ગેંગના 71 લાખના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

વડોદરા અને આસપાસના વિસ્તારોમાં દારૂનો સપ્લાય કરતા બુટલેગરો દ્વારા હવે છાણી અને આસપાસના વિસ્તારોમાં ભાડેથી ગોડાઉન રાખવામાં આવતા હોવાથી પોલીસ દ્વારા ગોડાઉનની તપાસ કરવામાં આવી રહી છે. જે દરમિયાન એક મહિનામાં ત્રણ ગોડાઉન પકડાયા છે.
પદમલા નજીક આવેલા સનરાઈઝ એસ્ટેટમાં ગઈ સાંજે પોલીસે તપાસ કરતા બહાર એક કન્ટેનર અને ટેમ્પો મળી આવ્યા હતા. જ્યારે હેલ્મેટના 492 નંગ બોક્સ પણ મળી આવ્યા હતા.
પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. જેની કલાકો સુધી ગણતરી કરવામાં આવી હતી. પોલીસે કુલ રૂ.71 લાખ ઉપરાંતની કિંમતની 33,840 નંગ બોટલ કબજે કરી ભારત સિંહ દીપ સિંહ રાવણા રાજપુત(હોથી ગામ,ઝાલોર,રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે દારૂના જથ્થા અંગે ગુનો નોંધી હિતેશ બીસનોઇ (સેન્દરી, બાડમેર, રાજસ્થાન) અને અન્ય સાગરીતને વોન્ટેડ જાહેર કર્યા છે.

