ડભોઇ-વઢવાણા રોડ પર ‘ખતરાની ઘંટી’ ચોતરિયા પાસે કેનાલે રોડનું ધોવાણ કર્યું ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય, ગાબડાથી લોકો પરેશાનડભોઈથી વઢવાણા તરફ જતા રોડ પર નર્મદા કેનાલ પાસે રોડની હાલત જર્જરિત બનતાં લોકો હેરાન બન્યા છે.ડભોઈથી વઢવાણા તરફ જતા રોડ પર ચોતરિયા પીરના વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે રોડની હાલત અત્યંત જર્જરિત અને ખતરનાક બની ગઈ છે. કેનાલના કારણે રોડની ધારો પર મોટું ધોવાણ થઈ ગયું છે, જેના પરિણામે રોડ પર ઠેર-ઠેર વિશાળ અને ઊંડા ખાડા (ગાબડા) પડી ગયા છે. ચોમાસું પૂરું થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં, નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ ખાડાઓ પૂરવાની અને ધોવાણ અટકાવવાની કોઈ કામગીરી કરાઈ નથી, જેનાથીસ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડભોઈથી વઢવાણા જતા રોડ પર મોટા અને ઊંડા ખાડા પડતાં ખાસ કરીને રાત્રિના સમયે આ રોડ પરથી પસાર થવું જીવનું જોખમ લેવા બરાબર છે. રોડ પર લાઈટિંગની અછત અને ઊંડા ખાડાઓ દેખાતા ન હોવાથી, રાત્રિના સમયે અનેક વાહનો આ ગાબડાઓમાં ખાબકી રહ્યા છે. રોજના નાના—મોટા અકસ્માતોની ઘટનાઓ અહીં બની રહી છે, જેમાં વાહનચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. આ રોડ પરથી નિયમિત અવરજવર કરતા લોકોનું કહેવું છે કે નર્મદાનિગમની બેદરકારીને કારણે તેમને દરરોજ મુશ્કેલી વેઠવી પડે છે. અધિકારીઓ જાગે અને વહેલી તકે આ ખાડાયુદ્ધ’ને સમાપ્ત કરે, જેથી અમે આસાનીથી મુસાફરી કરી શકીએ તેમ એક વાહનચાલકે જણાવ્યું હતું. નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક આ બાબતની ગંભીરતા સમજે અને યુદ્ધના ધોરણે ડભોઈ-વઢવાણા રોડ પર ચોતરિયા પીર પાસેના કેનાલ પાસેના ધોવાણની મરામત અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરે, જેથી કરીને વાહનચાલકોને મોટી જાનહાનિમાંથી બચાવી શકાય.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

