ડભોઇ: છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન પસાર થવાના બરાબર સમયે ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં આવેલ રેલવે ફાટક નંબર 21 પર એક બેફામ ટેમ્પો ચાલકની ઘોર બેદરકારીને કારણે મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ટેમ્પો ચાલક ફાટક તોડીને ફરાર થઈ ગયો હતો, જેના પગલે રેલવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ટ્રેન પસાર થવાના સમયે જ બેફામ ડ્રાઇવિંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, અંદાજે 8:00 વાગ્યે છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન ફાટક નંબર 21 પરથી પસાર થવાની હતી. નિયમ મુજબ, ટ્રેન આવવાના સમય પહેલા જ ફાટક બંધ કરવાના સમયે. ઉતાવળમાં એક ટેમ્પો ચાલકે સહેજ પણ વિચાર્યા વગર બંધ ફાટકને તોડીને પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.આ અંધાધૂંધ ડ્રાઇવિંગના કારણે રેલવે ફાટકને મોટું નુકસાન થયું હતું અને તે તૂટી ગયું હતું. ફાટક તોડ્યા બાદ ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કર્મચારીઓની સતર્કતાથી મોટી જાનહાની ટળી
ફાટક તૂટી જવાની જાણ થતાં જ રેલવેના ફરજ પરના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરીને તૂટેલા ફાટકને બદલે તાત્કાલિક ધોરણે નાનો ગેટ લગાવીને ટ્રેન પસાર થવાનો માર્ગ સુરક્ષિત કર્યો હતો. કર્મચારીઓની આ સમયસરની કાર્યવાહીને કારણે જ નિર્ધારિત સમયે ટ્રેનને પસાર કરાવી શકાઈ હતી અને કોઈ મોટી જાનહાની કે ટ્રેન અકસ્માત થતા અટકાવવામાં સફળતા મળી હતી.

સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ
આ ઘટનાના કારણે ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રેલવે ફાટક પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સદનસીબે, સમયસર ફાટક બંધ હોવા અને કર્મચારીઓની સતર્કતાને કારણે મોટી રેલવે દુર્ઘટના થતાં ટળી ગઈ હતી, પરંતુ ટેમ્પો ચાલકની બેદરકારીએ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ ફાટક તોડીને ભાગી જનાર બેફામ ટેમ્પો ચાલક વિરુદ્ધ રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ટેમ્પો ચાલકને પકડવા અને કાયદાનું ભાન કરાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

