ડભોઇ શહેરના મહુડી ભાગોળ નજીક આવેલા જનતાનગર વિસ્તારના રહીશો છેલ્લા બે મહિનાથી ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી, જેને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

જનતાનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી મુખ્ય રસ્તાઓ અને ઘરોની આસપાસ ફરી વળ્યા છે. આ ગંદા પાણીની દુર્ગંધ આખા વિસ્તારમાં ફેલાઈ રહી છે, જેના કારણે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને ઘરની બહાર પગ મૂકવો પણ અશક્ય બની ગયો છે. હાલ ચોમાસું વિદાય લઈ ચૂક્યું હોવા છતાં, આ વિસ્તારની પરિસ્થિતિ ચોમાસા કરતાં પણ વધુ ભયાવહ જોવા મળી રહી છે.રોગચાળાનો ભય: મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળાનું જોખમ ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મેલેરિયા, ડેન્ગ્યુ અને કમળા જેવા ગંભીર રોગો વિસ્તારમાં ફેલાઈ રહ્યા છે, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.

સ્થાનિકોનો આક્રોશ: મીડિયા સમક્ષ ઠાલવ્યો રોષનગરપાલિકાના બહેરા કાને આ વાત પહોંચાડવા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે, આજરોજ વિસ્તારના નારાજ રહીશોએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકામાં રૂબરૂ જઈને રજૂઆત કરવા છતાં કોઈ અધિકારી કે પદાધિકારી તેમની વાત સાંભળવા તૈયાર નથી.
સ્થાનિકોની મુખ્ય માંગ છે કે ડભોઇ નગરપાલિકાનું તંત્ર વહેલી તકે જાગે અને તાત્કાલિક અસરથી ઉભરાતી ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ લાવે, જેથી લોકોને દુર્ગંધ અને રોગચાળાના ભયમાંથી મુક્તિ મળે અને સામાન્ય જીવન જીવી શકે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

