આજથી બસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રનાં લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં ૧૮ મણ ઘી અને ૬૦ મણ રીંગણનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક શાકોત્સવ ભોજન કરાવ્યું હતું.

ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને શિયાળાનાં સમય દરમિયાન ખાસ રીતે શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે. જે અંતર્ગત ડભોઈ – દભૉવતી નગરીમાં આવેલ વડતાલ ધામ તાબાનાં ઐતિહાસિક અને પૌરાણિક પંડ્યા શેરી ખાતેનાં સ્વામિનારાયણ મંદિરે માગશર વદ ૩ (ત્રીજ) રવિવારે તા. ૭-૧૨-૨૦૨૫ ના શુભ દિને વડતાલ ગાદીના ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીની અને
પ.પૂ.સ.ગુ.શા. સ્વામી નૌતમપ્રકાશદાસજી સ્વામી ( સત્સંગ મહાસભા પ્રમુખ – વડતાલધામ ) , પ.પૂ. કે.પી.સ્વામી, ૫.પૂ.પુરાણી કૃષ્ણપ્રીયદાસજી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં આ શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સૌ હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. સૌ પ્રથમ નૌતમ સ્વામીએ શાકોત્સવની કથા સંભળાવી તેનો મહિમા વાગોળ્યો હતો. આ પ્રસંગે આચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, શાકોત્સવ માત્ર એક નિમિત હોય છે, પરંતુ શાકોત્સવમાં અનેક પ્રકારના મસાલો ભળતાં હોય છે. પરંતુ એ બધાં પ્રમાણસર ભળતાં હોય છે અને દરેક મસાલા પોતાના ગુણ પ્રમાણે કામ કરતા હોય છે એટલે આ પ્રસંગે હરિભક્તોએ પણ એકત્રિત થઈને પ્રભુનું નામ અને સ્મરણ કરવાનું હોય છે. સાથે સાથે તેઓ જણાવ્યું હતું કે રાજા રજવાડાના સમયમાં જ્યારે સભા ભરાતી હોય ત્યારે તે સભા નિહાળવા માટે લોકો દિવાલ ઉપર, છત ઉપર ચઢીને એ સભા નિહાળતાં હોય છે. તેવી જ રીતે આજનાં કળિયુગમાં પણ શાકોત્સવ કથા સાંભળવા માટે સૌ હરિભક્તોએ પરંપરા મુજબ છત અને દિવાલ ઉપર બેસીને મોટી સંખ્યામાં આ શાકોઉત્સવની કથા અને આચાર્ય મહારાજનાં આશીર્વાદ સાંભળે છે જે ડભોઈ – દર્ભાવતિ નગરમાં અલૌકિક દ્રશ્યો ખડાં કરે છે. સાથે સાથે આ કાર્યક્રમમાં પ.પૂ જગતપ્રસાદ સ્વામી, પ.પૂ સંત વલ્લભ સ્વામી (ચીઠ્ઠીવાળા), પ.પૂ. વેદાન્તપ્રકાશ સ્વામી, કોઠારી નવીનભાઈ સોની દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય , પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની , ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, ભૂપેન્દ્રભાઈ પટેલ, સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને આ શાકોત્સવને સફળ બનાવ્યો હતો. આ મંદિરને ૧૨૫ વર્ષ પૂર્ણ થવાનાં આરે છે ત્યારે આ મંદિરે આવનાર સમયમાં ફેબ્રુઆરી – માર્ચ ૨૦૨૭ માં ખૂબ જ મોટાં ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન થવાનું છે તેની રૂપરેખા પણ આ શાકોત્સવમાં આચાર્યશ્રીએ જણાવી હતી. આ પાવન પ્રસંગે સૌ હરી ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

