પરપ્રાંતીય બૂટલેગરો દ્વારા દારૃનો સ્ટોક રાખવા માટે ભાડાના ગોડાઉનો રાખવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે.દશરથ વિસ્તારમાં છ મહિનામાં બીજું ગોડાઉન પકડાતાં તેના ૧૧ ભાગીદારો સામે ગુનો નોધાયો છે અને પોલીસ હવે તમામ ગોડાઉનોની ચકાસણી પણ કરી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસની નજરથી બચવા માટે રાજસ્થાન અને હરિયાણાના દારૃના સપ્લાયરો દ્વારા વડોદરાની આસપાસના ઓધૌગિક વિસ્તારોની નજીકમાં ગોડાઉન ભાડે રાખવામાં આવતા હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.
છ મહિના પહેલાં દશરથના એક ગોડાઉનમાંથી રૃ.૨.૪૪ કરોડનો દારૃ અને કન્ટેનર પકડાયા હતા.જેની તપાસ દરમિયાન ગોડાઉન ભાડે રાખનાર બિશ્નોઇ ગેંગનો સાગરીત પોતે છાણી પોલીસ સ્ટેશનમાં જઇ ભાડાકરાર નોંધાવી આવ્યો હોવાની માહિતી ખૂલી હતી.આ ગુનામાં પીઆઇ ગઢવી સસ્પેન્ડ થયા હતા.ઉપરોક્ત બનાવ બાદ ત્રણ દિવસ પહેલાં દશરથના શિવ એસ્ટેટમાંથી દારૃનુ બીજું એક ગોડાઉન પકડાયું હતું.જેમાંથી ૩૩ લાખનો દારૃ મળી આવ્યો હતો. છાણીના પીઆઇ આર એલ પ્રજાપતિએ તપાસ કરતાં આ ગોડાઉન રાજસ્થાન જોધપુરના હેમનગર ખાતે રહેતા પ્રકાશ સિયારામે તા.૯-૧૨-૨૦૨૩ના રોજ બેકરીના નામે માસિક રૃ.૩૫ હજારના ભાડેથી રાખી કરાર રજૂ કર્યો હોવાની માહિતી બહાર આવી હતી. જેથી પોલીસે કરાર રીન્યૂ નહિ કરનાર માલિક મયૂર ઓધવજીભાઇ(સર્વોદય સો.,નિઝામ પુરા)અને૧૦પાર્ટનર સામે ગુનો નોંધ્યો છે.
