વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલા અભિલાષા ચાર રસ્તાના રહેણાંક વિસ્તાર ઇન્દ્રપુરી રેસીડેન્સીયલ કોમ્પલેક્ષમાં વન્ય પ્રાણી શિયાળ આવી ગયાની જાણ થતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. મોડી રાતના અંધારામાં કેનાલ તરફના રસ્તેથી જંગલી પ્રાણી આવી ગયું હોવાની શક્યતા છે. ઘટના સ્થળે દોડી આવેલા વન અધિકારી કર્મીઓએ વન્ય જીવને પકડવા પ્રયાસ શરૂ કરતા ભારે જહેમત બાદ શિયાળ પકડાતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ન્યુ સમા રોડના અભિલાષા કોમ્પ્લેક્સ પાસેના રેસીડેન્સિયલ ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સમાં વહેલી સવારે સ્થાનિકે વન્ય પ્રાણી શિયાળ જોયું હતું. પ્રાથમિક તબક્કે જ ઓળખાઈ ગયેલા શિયાળ અંગેની જાણ થતા જ આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરાઈ હતી જેથી અધિકારીઓ સાથે કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રહેણા એક વિસ્તારમાંથી અચાનક કોઈક બહાર આવતા ગભરાયેલું શિયાળ બાજુના એક દરવાજા પાસે બેસી ગયું હતું. જોકે વન વિભાગના કર્મીઓએ આ જંગલી પ્રાણીને કોઈપણ જાતનું નુકસાન ન થાય એવી રીતે પકડવાનું આયોજન કર્યું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ શિયાળનું રેસ્ક્યૂ કરતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, રાત્રિના અંધકારમાં ભૂલું પડેલું શિયાળ કેનાલ રસ્તેથી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયું હોવાની શક્યતા છે.

