શહેરના દક્ષિણ વિસ્તારમાં એલસીબીએ બે સ્થળે દરોડા પાડીને દારૃનો જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસને પણ દારૃનો એક કેસ કરવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મકરપુરામાં મારેઠા ગામમાં લીમડી ફળિયામાં રહેતો આકાશ વિજય ઠાકોર દારૃનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે એલસીબી ઝોન-૩ના સ્ટાફે દરોડો પાડી આકાશ ઠાકોરને ઝડપી પાડયો હતો અને રૃા.૫૬ હજારનો દારૃનો જથ્થો મળી કુલ રૃા.૬૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં સુનિલ રાજપૂત (રહે.ખલીપુર ગામ) અને આશિષ ઉર્ફે રવિને ફરાર જાહેર કરાયા હતાં.
અન્ય બનાવમાં માંજલપુરમાં તુલસીધામ નજીક શ્રીકૃષ્ણનગર સોસાયટીમાં રહેતી સપના મુકેશ પરમાર ઘરમાં દારૃનો સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી માહિતીના આધારે એલસીબી ઝોન-૩ના સ્ટાફે દરોડો પાડી સપનાને ઝડપી લઇ રૃા.૨.૨૫ લાખ કિંમતના ૫૭૨ બીયરના ટીન કબજે કર્યા હતાં. આ ગુનામાં આકાશ અશોક ઠાકરડા (રહે.ભાલીયાપુરા, તા.જી. વડોદરા)ને ફરાર જાહેર કરાયો છે. માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે માંજલપુર પોલીસે હેમંત જયંતી પટેલ (રહે.શિવાંજલિ સો., સાંઇ ચોકડી પાસે, માંજલપુર)ના ઘેર દરોડો પાડી રૃા.૨.૬૦ લાખની કિંમતના દારૃ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હેમંતે એક્ટિવામાં પણ દારૃ છૂપાવ્યો હોવાનું જણાતા પોલીસે એ કબજે કર્યો હતો. આ ગુનામાં રાહુલ રાજુ જોષી (રહે.વાડી) અને રવિ પાંડુરંગ કેસારકર (રહે.દાંડિયાબજાર) ફરાર છે.

