રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપમાં ગુજરાતમાંથી વડોદરા ગર્લ્સની ટીમે દેશ-વિદેશની અનેક ટીમોને માત આપી ચેમ્પિયન ટ્રોફી હાંસિલ કરી વડોદરા સહિત સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે.

સીબીએસઈ ઓલ ઇન્ડિયા નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ-2025નું આયોજન હિમાચલ પ્રદેશ ખાતે કરાયું હતું. આ ચેમ્પિયનશિપમાં વિવિધ દેશના અલગ અલગ રાજ્યોની ટીમો સાથે દુબઈની ટીમે પણ ઝંપલાવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં પ્રથમવાર વડોદરાની અંડર 19 વિમેન્સ કેટેગરીમાં સીબીએસઈ નેશનલ ગોલ્ડ મેડલ મેળવી વડોદરા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીઓએ મેદાન માર્યું
આ ચેમ્પિયનશિપમાં જયપુર બીજા તથા બંગલુરુ અને હરિદ્વારની ટીમે ત્રીજા ક્રમાંકે સ્થાન મેળવ્યું હતું. ઇતિહાસમાં પ્રથમ વખત ટીમ ચેમ્પિયન બની ડાયરેક્ટ એસજીએફઆઇ નેશનલ ક્વોલીફાઈડ થઈ હતી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા, દુબઈ સહિતની ટીમોને વડોદરાની દીકરીઓએ માત આપી હતી. ટીમની સિદ્ધિ બદલ કોચ તુષાર પાટીલ અને કેપ્ટન પુષ્ટિ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. આજે સાંજે છ વાગે ટીમ વડોદરા રેલ્વે સ્ટેશન આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાશે.

