રિક્ષામાં પેસેન્જરોને વાતોમાં પરોવી લૂંટી લેતી એક મહિલા અને પુરૃષને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં તેમણે ૧૫ દિવસમાં ચાર પેસેન્જરોના દાગીના લૂંટયા હોવાની વિગતો બહાર આવી છે.

ખોડિયાર નગર ખાતે રહેતા વેપારી તેમના પત્ની અને સાળી સાથે માંડવીના જ્વેલર્સને ત્યાં દાગીના ખરીદી રિમોટ લેવા માટે રિક્ષામાં રાવપુરા ગયા તે દરમિયાન રિક્ષામાં પંજાબી ડ્રેસ અને મોંઢે દુપટ્ટો બાંધીને બેઠેલી મહિલાએ પર્સમાંથી રૃ.૩.૫૦ લાખના દાગીના ચોરી લીધા હતા.
ઉપરોક્ત બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરી ખાસવાડી સ્મશાન પાસેથી રિક્ષામાં જતા મો.યુનુસ ગુલામ હુસેન કાગદી(મોટી વોરવાડ,વાડી) અને કાલી જસપાસ લોન્ધે (વાઘોડિયા ચોકડી પાસે,મૂળ કાના પીપરી, નાગપુર,મહારાષ્ટ્ર)ને ઝડપી પાડતાં તેમની પાસેથી દાગીના મળી આવ્યા હતા.પોલીસની તપાસમાં આ દાગીના પેસેન્જરોના સામાનમાંથી લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી હતી.જેથી તેમની પાસે રિક્ષા,બે મોબાઇલ અને દાગીના મળી કુલ રૃ.૪.૫૨ લાખની મતા કબજે લેવામાં આવી હતી.
પોલીસે વધુ પૂછપરછ કરતાં ઠગોએ પંદર દિવસમાં માંડવી જ્વેલર્સને ત્યાંથી સોનું ખરીદી નીકળેલા દંપતી ઉપરાંત રેલ્વે સ્ટેશન પાસેથી રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના, સોમા તળાવ પાસે અને ગોત્રીમાં રિક્ષામાં બેઠેલી મહિલાઓના દાગીના કાઢી લીધા હોવાની કબૂલાત કરી હતી.
