વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે શહેરમાં વરસાદની એન્ટ્રી થતાં સાંજ સુધીમાં મોટાભાગના ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ ગયા હતા. મોડી સાંજે પણ ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા યુનાઇટેડ વે, લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા તેમજ વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલ સહિતના તમામ મોટા ગરબા આયોજકોએ આજે રવિવારે ગરબા કેન્સલ કરવામાં આવ્યાં હોવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે,શહેરમાં નવરાત્રિના તહેવારોમાં ૨૬ મોટા ગરબાનું આયોજન થયું છે અને તે પૈકીના મોટાભાગના આયોજકોએ ગરબા કેન્સલ કર્યાં હોવાનું જણાવ્યું હતું. કેટલાક આયોજકોએ જણાવ્યું હતું કે, વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગઇકાલે રાત્રે ગરબા પુરા થતાં જ ગ્રાઉન્ડ પર પ્લાસ્ટીક પાથરી દેવામાં આવ્યું હતું. વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાયા નથી પરંતુ ગ્રાઉન્ડની આસપાસ પાણી ભરાતા વાહન પાર્કિંગમાં તેમજ ગ્રાઉન્ડ પર આવવા જવામાં તલીફ પડે તેમ હોઇ ગરબા કેન્સલ કરવામાં આવ્યા છે.વીએનએફના આયોજક મયંક પટેલે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ગ્રાઉન્ડ પર કોઇ પાણી ભરાયા નથી. ગ્રાઉન્ડ પર પ્લાસ્ટીક પાથરી દેવામાં આવ્યું છે પરંતુ રાત્રે પણ ધીમો વરસાદ ચાલુ રહેતા સલામતીના કારણોસર ગરબા કેન્સલ કરવામાં આવ્યાં છ, તો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજકોએ પણ આજે ગરબા કેન્સલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ે બીજી તરફ, સમા સાવલી રોડ પર આયોજીત શ્રી નવશક્તિ ગરબાના આયોજકોએ જણાવ્યું હતુ કે, તેમના ગ્રાઉન્ડ પર પાણી ભરાયા ન હોવાથી ગરબા ચાલુ રખાયા છે. એ જ રીતે મા શક્તિ ગરબાના પણ ગરબા ચાલુ રખાયા હોવાનું જાણવા મળ્યું છે.
વરસાદ ન પડે તો પોળ અને શેરી ગરબા પર ખલૈયાની નજર
વરસાદના કારણે તમામ મોટા ગરબા આયોજકોએ ગરબા કેન્સલ કરતા ખેલૈયાઓમાં ભારે નિરાશા ફેલાઇ હતી. જો કે, રાત્રે વરસાદ ન પડે તો હવે તમામ ખેલૈયાઓ રાત્રે શેરી ગરબા અને પોળના ગરબામાં ધૂમ મચાવશે. શહેરમાં નાના-મોટા ૭૦૦થી વધુ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાના કારણે હવે આજે તમામ મોટા ગરબામાં જતા ખેલૈયાઓ પોળ અને શરી ગરબામાં સામેલ થશે તેમ જણાતું હોઇ આજે આ ગરબામાં ભીડ જોવા મળશે.

