વાગરાની હનુમાન ચોકડી ખાતે આવેલા ખુશ્બુ કોમ્પલેક્ષમાં એક પરપ્રાંતીય શ્રમિકનું શંકાસ્પદ મોત થયું છે. બિહારનો 20 વર્ષીય મોનુ કુમાર ઉર્ફે પપ્પુ મંડલ ત્રીજા માળેથી નીચે પટકાયો હતો.

મોનુ કુમાર તેના રહેણાક રૂમની ગેલેરીમાંથી કોઈ અગમ્ય કારણસર નીચે પડ્યો હતો. નીચે પટકાવવાને કારણે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. યુવક અચાનક ગેલેરીમાંથી કેવી રીતે પડ્યો, ઘટના સમયે ત્યાં કોણ હાજર હતું અને કોઈ ઝઘડો કે ધક્કામુક્કી થઈ હતી કે કેમ, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
ભૂતકાળમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચેના આંતરિક વિવાદોમાં ગંભીર ગુનાઓ અને હત્યાના બનાવો સામે આવ્યા છે. આથી, સ્થાનિકો દ્વારા આ બનાવની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે, જેથી કોઈ ગુનાહિત તત્વ સંડોવાયેલું છે કે કેમ તે જાણી શકાય.
હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના અકસ્માત હતી, હત્યા હતી કે પછી યુવકે આત્મહત્યા કરી હતી. સાચી હકીકત બહાર આવવાની રાહ જોવાઈ રહી છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી ,વાગરા

