વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની સ્કૂલોની લોકપ્રિયતામાં કોરોનાકાળ બાદ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આ વર્ષે પણ શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની ૬ સ્કૂલોમાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે.
ગત વર્ષે આ સ્કૂલોમાં ૧૭૫૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને આ વર્ષે સંખ્યા વધીને ૨૦૧૭ થઈ છે. અંગ્રેજી માધ્યમની સ્કૂલો પૈકી હરણી વારસિયા રોડ પર આવેલી કવિ દુલા કાગ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ગત વર્ષે ૧૨૦ બાળકોનું અને ચાણક્ય અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ૭૦ બાળકોનું વેઈટિંગ હતું.
વાલીઓના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાના ઝૂકાવ અને ખાનગી સ્કૂલોના મોંઘાદાટ શિક્ષણના કારણે સમિતિની સ્કૂલો તરફ વળી રહ્યા છે તે જોતા સમિતિના સત્તાધીશો નવા શૈક્ષણિક વર્ષમાં અંગ્રેજી માધ્યમની વધુ પાંચ નવી શાળાઓ શરુ કરવાનું આયોજન કરી રહ્યા છે.નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે સત્તાધીશો જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરે તેવી શક્યતા છે.
અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા
સ્કૂલનું નામ ૨૪-૨૫ ૨૫-૨૬
ચાણક્ય સ્કૂલ ૭૦૭ ૭૩૫
પંડિત દિનદયાલ ઉપાધ્યાય સ્કૂલ ૪૯૨ ૫૨૨
કવિ દુલા કાગ સ્કૂલ ૩૨૩ ૪૨૧
પ્રમુખ સ્વામી મહારાજ સ્કૂલ ૧૬૨ ૨૨૧
કુબેરેશ્વર સ્કૂલ ૭૦ ૮૩
ડોંગરેજી મહારાજ સ્કૂલ – ૩૪

