શહેરના વિવિધ વિસ્તારમાં પીવાનું અપાતું પાણી કોઈ કારણોસર ડહોળું, ગંદુ મળી રહ્યું છે ત્યારે શહેરના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા પાસેની નવી નગરીમાં પાણીનો કકળાટ સર્જાયો છે. પીવાનું શુદ્ધ પાણી નહીં મળતા મોટી સંખ્યામાં એકત્ર સ્થાનિક રીતે તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી માટલા ફોડીને પાણી નહીં તો વોટ નહિથી વાતાવરણ ગજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા શહેરમાં નિયમિત રીતે પાણી આપવામાં આવે છે પરંતુ તમામ વિસ્તારોમાં અપૂરતું ચોખ્ખું અને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતું હોવાની શહેરમાં ઠેક ઠેકાણેથી ફરિયાદો થઈ રહી હતી.
દરમિયાન શહેરના સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા નજીકની નવી નગરીમાં પણ પાણીનો કકળાટ સર્જાયો છે. હર ઘર નળની યોજના છતાં નળમાં પાણી આવતું નથી. જ્યારે પણ પાણી આવે છે ત્યારે ગંધાતું અને ડહોળું અને પીવા લાયક પણ હોતું નથી. છેલ્લા કેટલાય વખતથી પીવાના પાણીના આવા ત્રાસથી સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. પરિણામે રોષે ભરાયેલા એકત્ર થયેલા સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર વિરુદ્ધ અને પાણી નહીં તો વોટ નહીંનો ભારે સૂત્રોચ્ચાર કરીને માટલા ફોડી વિરોધ કર્યો હતો.

