વાગરાની સાયખા GIDCમાં આજે પર્યાવરણને લગતી એક ઘટના બની હતી. GIDC વિભાગ દ્વારા પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી વડે ખોદકામ કરતા CETP (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.

જય કેમિકલ ચોકડીથી લગભગ 300 મીટરના અંતરે રોડની સાઈડમાં અને જાહેર માર્ગો પર અચાનક વાદળી રંગનું પાણી વહેવા લાગ્યું હતું. આ ભંગાણને કારણે હજારો ગેલન કલરયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. વાહનોની અવરજવરવાળા માર્ગો પર કલરયુક્ત પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતા જ GIDCના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીના નિકાલ માટે પમ્પિંગ શરૂ કરાવ્યું હતું. જોકે, જ્યારે મીડિયા અને સ્થાનિકોએ આ દૂષિત પાણી અંગે સવાલ કર્યા, ત્યારે એક અધિકારીએ જણાવ્યું કે, “આ માત્ર કલરવાળું પાણી છે, કેમિકલ નથી. અમે તેની ખરાઈ કરી છે.”આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, કલરયુક્ત પાણીના નિકાલની પ્રક્રિયામાં લાગેલા કામદારો કોઈપણ પ્રકારના સેફ્ટી શૂઝ, ગ્લવ્ઝ કે માસ્ક વગર સીધા આ પાણીના સંપર્કમાં હતા. અધિકારીઓની હાજરીમાં પણ કામદારોની સુરક્ષા માટે કોઈ પગલાં લેવાયા નહોતા.સાયખામાં સર્જાયેલી આ ઘટના બાદ જનતામાં સવાલ ઉઠી રહ્યા છે કે, ગંભીર પ્રદૂષણ ફેલાવવા બદલ જવાબદાર કંપની અને કોન્ટ્રાક્ટર સામે GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) કેમ મૌન સેવી રહ્યું છે? સામાન્ય સંજોગોમાં પ્રદૂષણના નામે ઉદ્યોગોને નોટિસો ફટકારતું બોર્ડ, આટલી મોટી બેદરકારી છતાં કોઈ કાર્યવાહી કરતું નથી. જાહેર માર્ગો પર કેમિકલયુક્ત પાણી ફેલાવા છતાં GPCBના અધિકારીઓનું મૌન અનેક પ્રશ્નો ઊભા કરે છે.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

