વડોદરા નજીક કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઈસ ચાન્સેલર પ્રો.રમાકાંત દુબેની મુદત પૂરી થયા બાદ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.અતાનુ ભટ્ટાચાર્યની નિમણૂક કરવામાં આવી છે.

પ્રો.દુબેનો વાઈસ ચાન્સેલર તરીકેનો પાંચ વર્ષનો કાર્યકાળ તો પહેલા જ પૂરો થઈ ગયો હતો પણ કેન્દ્ર સરકારે તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન આપ્યું હતું.આ મુદત પણ ૨૧ નવેમ્બરે પૂરી થઈ હતી.જોકે કેન્દ્ર સરકાર એ પછી પણ નિયમિત વાઈસ ચાન્સેલરની નિમણૂક કરી શકી નથી અને આજે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના હેડ પ્રો.ભટ્ટાચાર્યની નિમણૂંક કરવામાં આવી છે.
સેન્ટ્રલ યુનિવર્સિટીની સર્ચ કમિટિ અંગે સત્તાવાર રીતે કોઈ કશું બોલવા માટે તૈયાર નથી પણ એવુ કહેવાઈ રહ્યું છે કે, પસંદગી માટેની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે પણ નવા વાઈસ ચાન્સેલરના નામ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી અને તેના કારણે હવે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવાનો વારો આવ્યો છે.

