વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણનો પાલિકા તંત્ર દ્વારા સફાયો કરાઈ રહ્યો છે ત્યારે અકોટા સેવાસી રોડ પર બેંક ઓફ બરોડાની બિલ્ડીંગની બાજુમાં આવેલી પાલિકાની જગ્યા પર ફેન્સીંગ કરીને પાર્કિંગ કરવાનું શરૂ કરતાં દબાણ શાખાએ બુલડોઝર ફેરવીને ફેન્સીંગ તોડી પાલિકાની જગ્યા ખુલ્લી કરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ આડેધડ થઈ રહેલા ગેરકાયદે બાંધકામનો ઠેર-ઠેર રાફડો ફાટ્યો છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા સેવાસી રોડ પર બેંક ઓફ બરોડા આવેલી છે. બેંકની બાજુમાં પાલિકાની ખુલ્લી જગ્યા હતી. આ ખુલ્લી જગ્યામાં ફેન્સીંગ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બેંક ઓફ બરોડા દ્વારા આ જગ્યાનો ગેરકાયદે ઉપયોગ વાહન પાર્કિંગ માટે કરવામાં આવતો હતો. આ અંગેની મળેલી ફરિયાદ આધારે પાલિકાની દબાણ શાખાએ બુલડોઝરના સહારે ગેરકાયદે કરાયેલી ફેન્સીંગ તોડી નાખવામાં આવી હતી અને પાલિકાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

