વાગરા નગરનું હૃદય ગણાતું બજાર આજે ટ્રાફિકના નાસૂરથી પીડાઈ રહ્યું છે. આડેધડ પાર્ક થતા વાહનો અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનને કારણે આ રસ્તો અવરજવર માટે અશક્ય બની ગયો છે. વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ સૌ કોઈ આ દયનીય પરિસ્થિતિના ભોગ બની રહ્યા છે. વાગરા બજારનો મુખ્ય માર્ગ વાહનોની અવ્યવસ્થિત કતારોથી ભરેલો રહે છે. અહીં કોઈ ટ્રાફિક પોલીસ કે વ્યવસ્થાપક ન હોવાથી વાહનચાલકો મનફાવે ત્યાં પોતાના વાહનો મૂકી દે છે. ટુ-વ્હીલરથી માંડીને ફોર-વ્હીલર અને ટેમ્પો પણ રસ્તાની વચ્ચે જ પાર્ક થયેલા જોવા મળે છે. આના કારણે રસ્તો એટલો સાંકડો થઈ જાય છે કે એકસાથે બે વાહનો માંડ માંડ પસાર થઈ શકે છે. કલાકો સુધી ચાલતા ટ્રાફિકજામના કારણે વાહનચાલકોની ધીરજ ખૂટી જાય છે અને રસ્તો બોલાચાલી અને ઝઘડાનું મેદાન બની જાય છે.
વાગરા બજારમાં ખરીદી કરવા આવતા રાહદારીઓ માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છે. વાહનોની ભીડ અને અવ્યવસ્થાને કારણે રસ્તો ઓળંગવો એ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ સમાન છે. વૃદ્ધો અને બાળકો માટે તો અહીંથી પસાર થવું એટલે જોખમને આમંત્રણ આપવા જેવું છે. ક્યારેક અચાનક પાર્ક થયેલું વાહન કે બેફામ ચાલતા વાહનને કારણે અકસ્માતનો ભય સતત રહે છે. આ ટ્રાફિકની ગંભીર અસર વેપારીઓ પર પણ પડી રહી છે.
ગ્રાહકો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાથી કંટાળીને બજારમાં આવવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વેપારીઓના ધંધાને મોટું નુકસાન થઈ રહ્યું છે. એક દુકાનદારે કડક શબ્દોમાં જણાવ્યું કે, “ટ્રાફિકને કારણે અમારો વેપાર ઠપ થઈ ગયો છે. જો આનું તાત્કાલિક નિવારણ ન આવે, તો અમારે દુકાનો બંધ કરવી પડશે.”
આ સમસ્યા પ્રત્યે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રની ઉદાસીનતા આશ્ચર્યજનક છે. વારંવારની ફરિયાદો છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? આ સમસ્યાના કાયમી સમાધાન માટે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે. બજારમાં પાર્કિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી, ટ્રાફિક પોલીસની નિયુક્તિ કરવી અને કડક દંડની જોગવાઈ કરવી એ સમયની માંગ છે. જો પ્રશાસન હજુ પણ નિષ્ક્રિય રહેશે, તો વાગરા બજાર ભવિષ્યમાં માત્ર ટ્રાફિકજામ અને અવ્યવસ્થાના કેન્દ્ર તરીકે જ ઓળખાશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા




