વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા ઝાગેશ્વર ગામના 50 જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જોલવા ખાતે કોંગી આગેવાન સુલેમાન પટેલની ઓફિસે આ યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ યુવાનોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ન્યાયની લડત’ અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ જ સાચો ઉકેલ લાવી શકે છે. તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ, સુવા ગામના બળવંતભાઈ, મુકેન્દ્રસિંહ રાજ-અટાલી, ઈમ્તિયાઝ પટેલ-રહાડ, રાઘુવીરસિંહ વછનાદ સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ આગેવાનોએ નવા જોડાયેલા યુવાનોને આવકાર્યા હતા. અને પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે. તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. આ યાત્રાઓ દ્વારા તેમણે મોંઘવારી, બેરોજગારી અને અસમાનતા જેવા મુદ્દાઓને વાચા આપી છે. અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ જ દેશને સાચા માર્ગે લઈ જઈ શકે છે, અને એટલે જ અમે પક્ષમાં જોડાઈને આ લડતમાં સહભાગી થવા માંગીએ છીએ. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલની સક્રિયતા અને સતત મહેનતને કારણે તાલુકામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. નવા સભ્યોને જોડવાની તેમની ઝુંબેશ અને સ્થાનિક મુદ્દાઓ પરની પકડને કારણે જ ઝાગેશ્વર જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષાઈ રહ્યા છે. આસિફ પટેલની આગેવાની હેઠળ પક્ષ કાર્યકરો સાથેના સંકલન અને લોકો સુધી પહોંચવાના પ્રયાસોને વેગ મળ્યો છે, જે કોંગ્રેસની મજબૂતાઈનો સંકેત આપે છે.
રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા


