ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસ, એટલે કે ઈદે મિલાદુન્નબીના પવિત્ર પર્વની ઉજવણી વાગરા નગરમાં ધાર્મિક શ્રદ્ધા અને અનેરા ઉત્સાહ સાથે થઈ રહી છે. સમગ્ર નગર ભક્તિ અને ઉલ્લાસના રંગે રંગાઈ ગયું છે, અને મુસ્લિમ સમાજમાં આ તહેવારને લઈને ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
આ પર્વ નિમિત્તે વાગરા નગરના વાંટા વિસ્તાર, અસમાં પાર્ક, અપના નગર, ગુલીસતાને સંજર, મરિયમ પાર્ક અને હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. મસ્જિદો, દરગાહો અને મુસ્લિમ પરિવારોના ઘરોને રંગબેરંગી લાઈટિંગ અને સુશોભનથી સજાવવામાં આવ્યા છે, જે પયગંબર સાહેબ પ્રત્યેની અપાર શ્રદ્ધાનું પ્રતીક છે.
ઈસ્લામી કેલેન્ડરના રબીઉલ અવ્વલ મહિનાની ૧૨મી તારીખે આ પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ પહેલાં જ મસ્જિદો અને જાહેર સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શરૂ થઈ ગયું છે. કુરાન ખ્વાની, નાત ખ્વાની, તકરીર અને નિયાઝ વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા મુસ્લિમો અલ્લાહ અને તેના પયગંબરની બંદગી કરી રહ્યા છે. આ કાર્યક્રમોમાં સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
વાગરા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઈદે મિલાદનો માહોલ છવાયો છે. પંથકના ખંડાલી, પહાજ, સારણ, સલાદરા, વિલાયત, વોરાસમની અને ચાંચવેલ જેવા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવે છે. આ વર્ષની ઉજવણી સમગ્ર પંથકમાં ખુશી અને ભક્તિનું વાતાવરણ પ્રસરાવી રહી છે.


