વાગરા તાલુકાના વિલાયત અને દેરોલ સાથે જોડતા માર્ગ પર આજે ફરી એકવાર ટ્રાફિક જામની નર્કાગાર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ જામનું કારણ કોઈ અચાનક દુર્ઘટના નહીં પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે. રસ્તા પર ચાલી રહેલી અધૂરી કામગીરી અને વન-વે બનેલા માર્ગમાં એક સાથે ખાનગી બસ અને ટ્રક ખોટકાઈ જતાં વાહનોની અંદાજીત બે કિલોમીટર સુધીની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ઘટનાએ વિકાસના દાવા કરતા તંત્રની નિષ્ફળતાનો નગ્ન ચહેરો ખુલ્લો પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા-વિલાયત-દેરોલ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી રોડનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, કોન્ટ્રાક્ટરે એક તરફનો માર્ગ ખોદી નાખીને કામ અધૂરું છોડી દીધું છે. પરિણામે આખો માર્ગ વન-વે ટ્રાફિકથી ચાલી રહ્યો છે, જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપે છે. આજરોજ બપોરે 2 વાગ્યાના અરસામાં આ જ વન-વે માર્ગ પર એક ખાનગી બસ અને એક ટ્રક અચાનક ખોટકાઈ જતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. સાંકડા માર્ગ પર આ બે મોટા વાહનો વચ્ચે ખોટકાઈ જવાથી અન્ય વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ હતી. અને સેંકડો વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા.
આ ઘટના એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે તંત્ર અને સત્તાધારી પક્ષ વિકાસના જે મોટા-મોટા દાવા કરે છે, તે માત્ર કાગળ પર જ સીમિત છે. જો માર્ગનું કામ સમયસર અને યોગ્ય રીતે પૂરું કરવામાં આવ્યું હોત, તો આ વિકટ પરિસ્થિતિ ઊભી જ ન થઈ હોત. કોન્ટ્રાક્ટરને અધૂરું કામ છોડી દેવા માટે કોણે છૂટ આપી? અને આવા જોખમી માર્ગ પર વાહનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી કોની? આ પ્રશ્નોના જવાબ તંત્ર પાસે નથી. એક વાહનચાલકે ગુસ્સાથી કહ્યું કે રોજ સવારે આ માર્ગ પરથી પસાર થવું એટલે જીવને જોખમમાં મૂકવા જેવું છે. કામ પૂરું થતું નથી અને હેરાનગતિનો કોઈ પાર નથી. શું અધિકારીઓ અને નેતાઓ આ રસ્તા પરથી પસાર નથી થતા? કે પછી તેમને પ્રજાની કોઈ પરવા જ નથી? આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જ્યાં સુધી તંત્ર પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે નહીં, ત્યાં સુધી સામાન્ય પ્રજાએ આવી હાલાકીનો સામનો કરવો જ પડશે.
REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા


