ભરૂચ જિલ્લા પોલીસની ‘નો ડ્રગ્સ ઇન ભરૂચ’ ઝુંબેશ અંતર્ગત વાગરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે વાગરાના કલમ ગામમાં દરોડો પાડીને 1 કિલો 341 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. વાગરા પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલો આ પહેલો ગુનો છે, જે યુવાધનને નશાના દૂષણથી બચાવવાના પોલીસના પ્રયાસોને વેગ આપશે.
વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી. ફૂલતરિયાની ટીમને બાતમી મળી હતી કે કલમ ગામની નવીનગરીમાં રહેતો સાજીદ મહંમદ સણવી પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પંચોને સાથે રાખીને સાજીદના ઘરે દરોડો પાડવામાં આવ્યો, જ્યાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી આ ગાંજાને નાની નાની પડીકીઓ બનાવી સ્થાનિક યુવાનોને વેચતો હતો. પોલીસે આરોપી સાજીદ મહંમદ સણવીની ધરપકડ કરીને તેની પાસેથી ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાંટો, મોબાઇલ ફોન અને રોકડ મળીને કુલ ₹20,910નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કેસની વધુ તપાસ આમોદના પી.આઈ. આર.બી. કરમટીયાને સોંપવામાં આવી છે. આ સફળ ઓપરેશનમાં પી.આઈ. ફૂલતરિયાની સાથે અન્ય પોલીસકર્મીઓએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે. આ કાર્યવાહીથી નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
REPOTER : કેતન મહેતા, વાગરા


