સાયખા અને વિલાયત GIDC વિસ્તારમાં કોઈ બેફામ ઉદ્યોગે હવામાં મોટા પાયે પ્રદૂષણ છોડતા સમગ્ર વિસ્તાર ઝેરી ધુમ્મસથી ઢંકાઈ ગયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે તંત્રની નિષ્ક્રિયતા ફરી એકવાર ખુલ્લી પડી છે. વહેલી સવારથી જ GIDC વિસ્તારમાં હવાનું પ્રદૂષણ એટલું વધી ગયું હતું, કે દૃશ્યતામાં પણ ભારે ઘટાડો થયો હતો. જેના કારણે વાહનચાલકોને રસ્તા પર જોવામાં ભારે અગવડતા પડી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે, આ પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી. અને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ હતી. પરિણામે આવતા-જતા ટુ-વ્હીલર ચાલકોને મોઢા પર રૂમાલ બાંધવાની ફરજ પડી હતી. કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા છોડવામાં આવેલા આ ઝેરી પ્રદૂષણને કારણે આસપાસના ગામડાઓમાં પણ સમસ્યા સર્જાઈ હતી. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે, કે ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું કેટલું બેફામ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ મામલે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઈમ્તિયાઝ પટેલ પણ આકરા પાણીએ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ પહેલી ઘટના નથી. આવા બનાવો અવારનવાર સામે આવતા જ હોય છે. પરંતુ તંત્રની લાપરવાહી અને ઢીલી નીતિને કારણે જ આવા બેફામ ઉદ્યોગકારો બેલગામ બન્યા છે. તેમણે તાત્કાલિક યોગ્ય તપાસ કરી જવાબદાર ઉદ્યોગ અને ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ પ્રકારનું બેફામ વાયુ પ્રદૂષણ માત્ર ટૂંકાગાળાની અસુવિધાઓ જ નહીં પરંતુ લાંબાગાળે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. શ્વસનતંત્રના રોગો, ચામડીના રોગો અને અન્ય ગંભીર બીમારીઓનો ભય સતત રહે છે. જો જવાબદારો સામે સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરાય તો આ ઝેરી હવા ભરૂચના પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે કાયમી ખતરો બની રહેશે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, જો તંત્ર સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આ પ્રદૂષણનો ભોગ માત્ર આસપાસના ગામો જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લો બનશે. જવાબદારો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.
રિપોર્ટર :સૈફ અલી ભટ્ટી વાગરા


