જંબુસરના વતની ડૉ. વૈશાલી જીવણભાઈ ખારવાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમણે અર્થશાસ્ત્ર વિભાગમાં ડૉ. યોગેશ એન. વોસિયાના માર્ગદર્શન હેઠળ ‘બંદરોના વિકાસની ખેડૂતો, માછીમારો અને ઔદ્યોગિક કામદારો પરની અસરો: દક્ષિણ ગુજરાતના હજીરા અને દહેજ બંદરના સંદર્ભમાં તુલનાત્મક અભ્યાસ’ વિષય પર સંશોધન કર્યું છે.
ડૉ. વૈશાલીએ તેમના સંશોધનમાં હજીરા અને દહેજ બંદરોના ખાનગીકરણ અને ઔદ્યોગિકીકરણની સ્થાનિક સમુદાયો પર થતી સકારાત્મક અને નકારાત્મક અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે.

સંશોધનના મુખ્ય તારણો અને ભલામણો:
- ખેડૂતો માટે: જમીન સંપાદન માટે યોગ્ય અને પારદર્શક વળતર આપવું જોઈએ. બાગાયત અને ઓર્ગેનિક ખેતી જેવી કૃષિ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ.
- માછીમારો માટે: દરિયાઈ આજીવિકા માટે વળતરનું માળખું બનાવવું અને વૈકલ્પિક રોજગાર માટે તાલીમ પૂરી પાડવી. માછલી લોજિસ્ટિક્સ અને વીમા યોજનાઓ શરૂ કરવી.
- ઔદ્યોગિક કામદારો માટે: કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવી. ઔપચારિક રોજગાર કરાર અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી. કામદારોના આરોગ્ય અને સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓનો અમલ કરવો. આ ઉપરાંત, તેમણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ આવાસ, ગેસ અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પૂરી પાડવાની ભલામણ કરી છે. પર્યાવરણના રક્ષણ માટે “પ્રદૂષક ચૂકવે” (Polluter Pays) સિદ્ધાંતનો કડક અમલ કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન બફર ઝોન બનાવવા પર પણ ભાર મૂક્યો છે.
ડૉ. વૈશાલીનું આ સંશોધન એ વાત પર ભાર મૂકે છે કે બંદર-આધારિત વિકાસ માત્ર ઉદ્યોગોને જ નહીં, પરંતુ સ્થાનિક સમુદાયોને પણ સમાન રીતે લાભદાયી થવો જોઈએ. આ અભ્યાસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ અને સ્થાનિક લોકો પર તેની અસરને સમજવામાં એક મહત્વપૂર્ણ યોગદાન છે.
ડૉ. વૈશાલી ખારવાને આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અને અન્ય શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ સફળતાથી તેમણે જંબુસર તાલુકા, કાવી ગામ અને સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ ગૌરવવંતુ બનાવ્યું છે.

