વલસાડ જિલ્લા એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમને ભીલાડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગેરકાયદેસર ગાંજાના વેચાણ અંગેની બાતમી મળતાં રેઇડ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ ૩.૮૩૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ભીલાડ બોરીગામ, લેરુ ફળિયા ખાતે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી આરોપીઓ ભાવેશભાઈ રામુભાઈ ધોડી (રહે. ભીલાડ) અને સુરજ રાધેશ્યામ કનોજીયા (રહે. ભીલાડ, મૂળ યુ.પી.) મળી આવ્યા હતા.
પોલીસે તેમના કબજાના મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહાયેલો કિ.રૂા. ૧,૯૧,૭૫૦/- નો ગાંજોનો જથ્થો કબજે કર્યો હતો.
એસ.ઓ.જી. દ્વારા ગાંજાના જથ્થા ઉપરાંત ₹૨૧,૨૦૦/- રોકડા, ત્રણ મોબાઈલ ફોન, બે વજનકાંટા અને એક મોટર સાયકલ (હીરો સ્પ્લેન્ડર) સહિત કુલ ₹૩,૨૩,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

