વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) ની ટીમે પારડી નજીકથી ચોરી છુપીથી દમણ તરફથી લાવવામાં આવી રહેલો ₹૧,૯૧,૨૦૮/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ છે.
બાતમીના આધારે LCB ની ટીમે કલસર બે માઈલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી GJ-15-TT-1233 નંબરની કાળા-પીળા કલરની બજાજ ઓટો રીક્ષાને આંતરીને તેની તલાશી લેવાઈ હતી.

રીક્ષાની પાછળની સીટના ભાગે અને આગળની સીટના પગ રાખવાની જગ્યાએ પ્લાસ્ટિકના થેલાઓમાં સંતાડેલી વ્હીસ્કીની ૪૬૭ નંગ બોટલો મળી આવી હતી.
LCB એ ₹૩૦,૦૦૦/- ની કિંમતની રીક્ષા અને દારૂ મળીને કુલ ₹૨,૨૧,૨૦૮/- નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે રીક્ષા ચાલક મીનેષભાઈ જગદીશભાઈ માહ્યવંશી (રહે. પારડી) ની ધરપકડ કરી છે.
આ ગુનામાં દારૂનો જથ્થો ભરી રીક્ષા આપનાર ઇન્દુબેન મહેશભાઈ પટેલ (રહે. કલસર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપી અને કબજે કરેલા મુદ્દામાલનો કબજો વધુ તપાસ અર્થે પારડી પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે, જ્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

