VALSAD : ભારે પવન-વરસાદથી ગરબાના ડોમને નુકસાન, ફરીથી સર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા આદેશ

0
53
meetarticle

નવરાત્રિમાં મેઘરાજાની એન્ટ્રીથી ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુંજાયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા ખેલૈયાના રંગમાં ભંગ બની પ્રગટ્યા છે. ભારે વરસાદના કારણે અનેક ગરબા ગ્રાઉન્ડ, પાર્ટી પ્લોટ પાણી-પાણી થઈ ગયા છે. જેમાં વલસાડ જિલ્લામાં શનિવારે (27 સપ્ટેમ્બર) ભારે પવન સાથે વરસાદ પડતાં ગરબા આયોજકોના મંડપ અને ડોમને નુક્સાન થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવરાત્રિ આયોજકોને સ્ટ્રકચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું પુનઃસર્ટિફિકેટ મેળવીને જ ગરબાનું આયોજન કરવા જણાવામાં આવ્યું છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં 28 સપ્ટેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં ગતરોજ ભારે પવન સાથે વરસાદ પડતા વલસાડના તડકેશ્વર મંદિરના મેદાનમાં ગોકુલગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવના ડોમ તથા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને ભારે નુકસાન થવાના કારણે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જિલ્લામાં અન્ય સ્થળોએ પણ ભારે પવન અને વરસાદને કારણે ડોમ તથા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનને નુક્સાન થયું છે.

હવામાન વિભાગ મુજબ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે. જેને લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લાના તમામ નવરાત્રિ ગરબા આયોજકોને જણાવ્યું છે કે, ‘નવરાત્રિ ગરબા આયોજન દરમિયાન કોઈ અકસ્માત અને જાનમાલને નુકસાન ન થાય તે માટે નવરાત્રિ ગરબા પ્રિમાઈસીસના તમામ મંડપ, સ્ટેજ, ડોમ તથા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની પુનઃ ચકાસણી કરવાની રહેશે અને સક્ષમ ઓથોરિટીનું સ્ટ્રકચર સ્ટેબિલિટી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું સર્ટિફિકેટ પુનઃ મેળવ્યા બાદ નવરાત્રિ ગરબાનું આયોજન કરવાનું રહેશે. આમ જો કોઈ ગરબા આયોજક સર્ટિફિકેટ મેળવ્યા વગર ગરબાનું આયોજન કરશે અને કોઈ જાનમાલની નુકસાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે આયોજકની રહેશે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here