પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લાકક્ષાનો ૭૬મો વન મહોત્સવ અંકલેશ્વરમાં ઉજવાયો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના જતન પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અધ્યક્ષ હિમાંજય પાલીવાલે જણાવ્યું હતું કે, પાણીની અછત, ભૂગર્ભ જળનું ઘટતું સ્તર અને પ્રદૂષણ જેવી સમસ્યાઓનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પર્યાવરણનું જતન કરવું અત્યંત જરૂરી છે. ધારાસભ્ય ઈશ્વર પટેલે પણ જિલ્લાને હરિયાળો બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં એચ.એચ.જી. ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.


