ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ વીજ વાયરોમાં દોરા ભરાઈ જવાથી લાઈનો ટ્રિપ થવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં રોજ કરતા ત્રણ ગણો વધારો થયો હતો.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોનું કહેવું છે કે,સામાન્ય રીતે વીજ પુરવઠો ખોરવાઈ જવાની રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોય છે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં આવી ૯૦૦ જેટલી ફરિયાદો મળી હતી.જેના કારણે વીજ કંપનીનો સ્ટાફ દોડતો રહ્યો હતો.મોટાભાગે પતંગોના દોરા ભરાઈ ગયા બાદ દોરા ખેંચવાના કારણે બે વીજ વાયર એક બીજાને અડી જતા હોવાથી વીજ સપ્લાય બંધ થતો હોય છે.જોકે મોટાભાગના કિસ્સાઓમાં વીજ પુરવઠો તરત જ ચાલુ કરી દેવાયો હતો.
વીજ કંપની દ્વારા આ બે દિવસ દરમિયાન દરેક સબ ડિવિઝનમાં રાઉન્ડ ધ ક્લોક ત્રણ શિફટમાં ૩૦ જેટલા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ સામાન્ય રીતે રોજની ૩૦૦ ફરિયાદો આવતી હોય છે.તેની જગ્યાએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ દોરા ભરાઈ જવાથી લાઈટો જવાની ૧૫૦૦ જેટલી ફરિયાદો નોધાઈ હતી.

