એશિયા કપ 2025 પહેલા, એક સ્ટાર ક્રિકેટર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અફઘાનિસ્તાનના T20 કેપ્ટન અને 26 વર્ષના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનના ઘરે માતમ છવાયો છે. રાશિદ ખાનના મોટાભાઈ હાજી અબ્દુલ હલીમ શિનવારીનું નિધન થયું છે. રાશિદ ખાન આ સમયે શારજાહમાં ચાલી રહેલી T20 ટ્રાઇ સીરિઝમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટનની જવાબદારી નિભાવી રહ્યો છે. આ ટ્રાઇ સીરિઝમાં પાકિસ્તાન અને UAEની ટીમ પણ સામેલ છે.
રાશિદ ખાનના ઘરે માતમ
અફઘાનિસ્તાનના T20 કેપ્ટન રાશિદ ખાનને આ મુશ્કેલ સમયમાં ક્રિકેટની દુનિયાથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે. અફઘાનિસ્તાનના ઓપનર ઇબ્રાહિમ જાદરાને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે, ‘રાશિદ ખાનના મોટાભાઈ અબ્દુલ હલીમનું નિધન થવાના સમાચાર સાંભળી દુ:ખ પહોંચ્યું છે. એક મોટોભાઈ પરિવાર માટે પિતા સમાન હોય છે. રાશીદ ખાન અને તેમના પરિવાર માટે મારીસંવેદના છે.’
અચાનક મોટાભાઈનું નિધન
અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અસગર અફઘાને કહ્યું, ‘રાશિદ ખાન.. મને તમારા મોટાભાઈ હાજી અબ્દુલ હલીમ શિનવારીના નિધનના સમાચાર સાંભળી ખૂબ જ દુ:ખ થયું છે. અલ્લાહ તેમને જન્નત અલ-ફિરદૌસમાં ઉચ્ચતમ સ્થાન આપે અને તેમના સન્માનિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. આમીન.’ તે ઉપરાંત પાકિસ્તાનની ક્રિકેટ ટીમે પણ શુક્રવારે શરૂ થયેલી ટ્રાઈ સીરિઝની પહેલી T20 મેચ બાદ રાશિદ ખાનના મોટાભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.


