SPORTS : વિરાટ કોહલી શ્રેષ્ઠ વિદાયનો હકદાર હતો, હજુ તેની પાસે…’, BCCIના વલણ સામે ઊઠ્યાં સવાલ

0
141
meetarticle

વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓની ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિને ઘણાં ક્રિકેટ પંડિતો અને ચાહકો હજુ સુધી પચાવી શક્યા નથી. તેમાંથી એક 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને પૂર્વ પસંદગીકાર કૃષ્ણમાચારી શ્રીકાંત છે. તેમણે BCCIના વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘જ્યારે આ બે દિગ્ગજોએ અચાનક ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું, ત્યારે કોમ્યુનિકેશનનો ભારે અભાવ હતો. બંનેની નિવૃત્તિની વાત દબાઈ ગઈ હતી કારણ કે ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં સીરિઝ 2-2થી ડ્રો કરવામાં સફળ રહી હતી. 100 ટેસ્ટ રમી ચૂકેલા ક્રિકેટરો શ્રેષ્ટ વિદાયના હકદાર હતા.’

પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે શું કહ્યું…

યુટ્યુબ ચેનલ પર પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું, ‘જો તમે તમારા દેશ માટે 100 ટેસ્ટ મેચ રમશો, તો તમે એક મહાન ક્રિકેટર બનશો. તેથી તમને શ્રેષ્ટ વિદાય મળવી જોઈએ. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા નિવૃત્ત થયા, ત્યારે કોમ્યુનિકેશનનો અભાવ હતો. તેમની સાથે વાત કરવી જોઈતી હતી. વિરાટ કોહલી શ્રેષ્ટ વિદાયનો હકદાર હતો. તેની પાસે હજુ બે વર્ષનો ટેસ્ટ ક્રિકેટ બાકી હતો. પરંતુ ઇંગ્લેન્ડમાં ડ્રો રમવાને કારણે, તેના વિશે આવી વાતો બંધ થઈ ગઈ. જો કે, ભારત માટે વિરાટ કોહલી જેવો ક્રિકેટર મળવો મુશ્કેલ બનશે.’

ચેતેશ્વર પૂજારા અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલીની જેમ ચેતેશ્વર પૂજારાને પણ શ્રેષ્ટ વિદાય મળવી જોઈતી હતી.’ નોંધનીય છે કે, પૂજારાએ તાજેતરમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે 2023માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ રમી હતી.

ખેલાડીઓની નિવૃત્તિ અંગે કૃષ્ણમાચારી શ્રીકાંતે કહ્યું, ‘પુજારા સાથે પણ આવું જ છે, જોકે તેણે ભારત માટે રમ્યાને ઘણો સમય થઈ ગયો છે, પરંતુ તેણે પણ નિવૃત્તિ અંગે વાત કરવી જોઈતી હતી. અલબત્ત ખેલાડીએ પણ સહકાર આપવો જોઈએ અને તેનો સમય પૂરો થાય ત્યારે સમજવું જોઈએ. જો એવું થયું હોત, તો પૂજારાને વધુ સારી વિદાય મળી હોત. પરંતુ આ ખેલાડી, પસંદગીકારો અને BCCI વચ્ચે સહકારની વાત છે.’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here