વાલીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે બે થ્રી-વ્હીલર રીક્ષા, નંબર GJ-16-Y-4535 અને GJ-16-W-0079, તેમના ચાલકો સાથે નેત્રંગ તાલુકાના ચીકલોટા ગામ તરફથી વાલીયા તરફ આવી રહી છે અને તેમાં દારૂ ભરેલી બેગ્સ છે.
આ બાતમીના આધારે, વાલીયા પોલીસની ટીમે ચંદેરીયા ગામના બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની બંને રીક્ષાઓ આવતા તેમને ઈશારો કરી રોકવામાં આવી હતી. તપાસ કરતાં, બંને રીક્ષાઓમાંથી કુલ ચાર બેગ મળી આવી હતી. આ બેગ ખોલીને તપાસતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૭૫૦ મિ.લી.ની કુલ ૭૨ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. ૯૨,૪૦૦ છે.
પોલીસે રીક્ષા ચાલકો અબ્દુલઅકરમ અબ્દુલલતીફ શેખ (ઉં.વ. ૩૪, હાલ રહે. ઠાંગરાવાદ, ભરૂચ) અને સદ્દામહુસેન રહેમાનભાઇ શેખ (ઉં.વ. ૩૨, હાલ રહે. જમાઈ મોહલ્લો, અંકલેશ્વર) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે દારૂનો જથ્થો, બંને રીક્ષા (કુલ કિં.રૂ. ૧,૧૫,૦૦૦), અને બે મોબાઈલ ફોન (કિં.રૂ. ૫,૫૦૦) મળીને કુલ રૂ. ૨,૧૨,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બંને આરોપીઓ વિરુદ્ધ વાલીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


