વડોદરા શહેરમાં ટ્રાફિકની અવરજવરવાળા રાવપુરાના વોર્ડ નં-7માં ઉભરાઈ રહેલી ગટરોની તંત્ર દ્વારા ચાલતી કામગીરીનો છેલ્લા ત્રણ દિવસથી કોઈ નિકાલ નથી આવતો. સાંજ સુધીમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો તંત્રના સ્થાનિક અધિકારીને ગટરમાં ઉતારવાની ચીમકી સામાજિક કાર્યકર દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર અને ટ્રાફિકવાળા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. તંત્ર દ્વારા સતત કામગીરી ચાલતી હોવા છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ગટર લાઈન યોગ્ય રીતે નહીં બનાવી હોવાના આક્ષેપ પણ થયા છે. વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભક્તજનો સહિત સૌ કોઈને ગટરના ગંદા પાણી ખૂંદીને પોતાના કામકાજ છે અને મંદિરે જવાનો વખત આવ્યો છે. સ્થાનિક કોર્પોરેટરો પણ આ સમસ્યાના નિકાલ માટે ફરક્યા પણ નથી. જો આ સમસ્યાનું આજે સાંજ સુધીમાં નિરાકરણ નહીં આવે તો સ્થાનિક વોર્ડ કચેરીના અધિકારીને સમસ્યાના નિરાકરણ માટે ગટરમાં ઉતારવાની ચીમકી વિસ્તારના સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


