TOP NEWS : કાશ્મીર પર દુ:ખોનું આભ ફાટ્યું : ભારે વરસાદ, ભૂસ્ખલનના કારણે 5 દિવસમાં 80ના મોત

0
66
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનાઓ સતત બની રહી છે. કુપવાડાના લોલાબ અને કઠુઆ જિલ્લાના બની વિસ્તારમાં વાદળ ફાટ્યુ હતું. આમાં કોઈ જાનમાલનું નુકસાન નથી થયુ, પરંતુ વિસ્તારોમાં ભારે કાટમાળ જમા થઈ ગયો છે.

પ્રદેશના ઘણા ભાગોમાં સવારથી બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો. દક્ષિણ કાશ્મીરને જમ્મુ સાથે જોડતો મોર્ગન-સિંથાનટોપ રસ્તો પણ બંધ રહ્યો. બીજી તરફ હવામાનને ધ્યાનમાં રાખીને, 19 ઓગસ્ટના રોજ જમ્મુ વિભાગની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે મંગળવારે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપી છે. લોકોને નદીઓ અને નાળાઓ નજીકના વિસ્તારો અને ભૂસ્ખલન વાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

તમામ જિલ્લાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. કુપવાડા જિલ્લામાં લોલાબના વારનોવ જંગલમાં સવારે વાદળ ફાટ્યા બાદ પૂરથી નુકસાન થયુ હતું. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને પાણી ભરાઈ ગયા છે.

કઠુઆ જિલ્લામાં વાદળ ફાટ્યુ

જંગલને અડીને આવેલા રહેણાંક વિસ્તારોમાં લોકોને ચેતવણી આપવામાં આવી છે. જોકે, પૂરનું પાણી ત્યાં સુધી નથી પહોંચ્યું. વન સંપત્તિને નુકસાન થયું છે. વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે. કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તાર બનીના ખાવલમાં વહેલી સવારે વાદળ ફાટ્યુ હતું.

ત્યાંથી વસાહત 500 મીટર દૂર હતી. વાદળ ફાટ્યા બાદ પાણી ખાડ નાળામાં વહી ગયું. ઉત્તર-પૂર્વ કાશ્મીરમાં સોનમર્ગ અને પહેલગામમાં અમરનાથ ગુફા અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવારે આ ઋતુની પહેલી હિમવર્ષા થઈ. ઘાટીમાં વરસાદના કારણે કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થયો.

કાશ્મીરના પ્રવેશદ્વાર કાંઝાગુંડમાં સૌથી વધુ 25 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ કોકરનાગમાં 19 મીમી વરસાદ નોંધાયો હતો. જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં સાંજે 5:30 વાગ્યા સુધી 17.2 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે પ્રખ્યાત સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં 16.4 મીમી વરસાદ ખાબક્યો હતો.

ચેતવણી જાહેર, તમામને અલર્ટ પર રાખ્યા

હવામાન વિભાગે ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ ફાટવાની, નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની, પહાડી અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થવાની, જમ્મુ-શ્રીનગર હાઈવે, બટોટ-ડોડા-કિશ્તવાડ અને જમ્મુ-રાજૌરી-પૂંચ હાઈવેના સંવેદનશીલ વિસ્તારોમાં વરસાદ દરમિયાન ખડકો ધસી પડવાની ચેતવણી આપી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે સરકારે તમામ ડેપ્યુટી કમિશનરો, પોલીસ અને એન્જિનિયરો તેમજ સંબંધિત કર્મચારીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સામનો કરવા માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યો છે.

પોલીસ અને SDRFને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગને નદીઓ, નહેરો અને જળાશયો પર 24 કલાક નજર રાખવા નિર્દેશ આપ્યો છે. યાત્રીઓ અને પ્રવાસીઓને ભારે વરસાદ દરમિયાન પહાડી રસ્તાઓ ટાળીને તેમની મુસાફરીનું આયોજન બનાવવાની સૂચના આપવામાં આવી છે.

5 દિવસમાં 80 લોકોના મોત

તમને જણાવી દઈએ કે, 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડના ચાશોતીમાં વાદળ ફાટવાથી 63 લોકો મૃત્યુ પામ્યા હતા અને 17 ઓગસ્ટના રોજ કઠુઆમાં 7 લોકો મૃત્યુ પામ્યા હતા. પાંચ દિવસ પહેલા લદ્દાખ જિલ્લાના ખંગરાલમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે શ્રીનગર-લેહ હાઇવેનો લામાયુરુ રસ્તો બંધ છે. ખાદ્ય પદાર્થો લઈ જતા ઘણા વાહનો ફસાયેલા છે. હળવા મોટર વાહનો માટે રસ્તો આંશિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ ટ્રકોને મંજૂરી નથી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here