તાજેતરમાં કોલ ફોરવર્ડિંગ દ્વારા ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં વધારો થયો છે. સાયબર અપરાધીઓ એક નવી પદ્ધતિનો ઉપયોગ કરીને લોકોના બેંક એકાઉન્ટ અને વ્યક્તિગત માહિતી ચોરી રહ્યા છે.
આ સ્કેમમાં, ફોન કરનાર વ્યક્તિ તમને કોઈ ખાસ કોડ ડાયલ કરવા માટે કહે છે. આ કોડ તમારા ફોન પર આવતા તમામ કોલ્સ અને SMSને તેમના નંબર પર ટ્રાન્સફર કરી દે છે. આનાથી સ્કેમર્સ તમારા બેંક એકાઉન્ટના OTP, મેસેજ અને અન્ય સંવેદનશીલ માહિતી મેળવી શકે છે. તેઓ આ માહિતીનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી કરવા માટે કરે છે.
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરએ આ અંગે ચેતવણી આપી છે. તેમણે લોકોને આવી છેતરપિંડીથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સલાહ આપી છે
કોઈપણ અજાણ્યા કોડ ડાયલ ન કરો, ખાસ કરીને જે કોડ * અથવા # થી શરૂ થતા હોય. કોલરની ઓળખની ખાતરી કરો. જો કોઈ વ્યક્તિ તમને બેંક કે અન્ય સંસ્થાના કર્મચારી તરીકે કોલ કરે, તો સીધા તે સંસ્થાના સત્તાવાર નંબર પર કોલ કરીને પુષ્ટિ કરો.
ઝીરો ટ્રસ્ટ પોલિસી અપનાવો. કોઈપણ અજાણ્યા કોલ કરનાર પર તરત વિશ્વાસ ન કરો. હંમેશા શંકાશીલ રહો અને પુષ્ટિ કર્યા પછી જ કોઈ પગલું ભરો. ધમકીઓથી ડરશો નહીં. જો કોઈ તમને તરત જ કોઈ કાર્ય કરવા દબાણ કરે, તો તે સ્કેમ હોઈ શકે છે.
આવા સાયબર સ્કેમ વિશે તમારી જાતને અને તમારા પરિવારને સતત માહિતગાર રાખો. “સ્ટોપ, થિંક, એન્ડ એક્ટ” નીતિનું પાલન કરો. કોઈ પણ પગલું ભરતા પહેલા થોભો, વિચારો અને પછી જ કાર્ય કરો.
મોબાઈલનો ઉપયોગ ધ્યાનપૂર્વક કરો. જો તમે કોઈને તમારો મોબાઈલ ફોન ઉપયોગ કરવા આપો, તો તે વ્યક્તિ શું કરે છે તેના પર નજર રાખો.
જો તમે આ સ્કેમનો ભોગ બનો, તો તાત્કાલિક ##002# ડાયલ કરીને કોલ ફોરવર્ડિંગ બંધ કરો. ત્યારબાદ તરત જ બેંક અને મોબાઈલ ઓપરેટરને જાણ કરો. બને તેટલી વહેલી તકે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવો. તમારા તમામ બેંક, ઈમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ પણ બદલી નાખો.
REPOTER : કેતન મહેતા, અમદાવાદ


