યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે પુતિન યુદ્ધવિરામ યોજનાના ભાગ રૂપે ડોનેટ્સકનો બાકીનો ભાગ ઇચ્છે છે. પરંતુ યુક્રેન નેતાએ કહ્યું કે કિવ આ ઓફરને નકારી કાઢશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આવા પગલાથી તેમની રક્ષણાત્મક રેખાઓ ખતમ થઈ જશે અને મોસ્કો માટે વધુ આક્રમણ કરવાનો માર્ગ ખુલશે. રશિયા હાલમાં યુક્રેનના લગભગ 19 ટકા ભાગ પર કબજો કરે છે.
રશિયાનું આર્થિક-વ્યૂહાત્મક પ્રભુત્વ
અલાસ્કામાં બેઠકમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેનો કોઈપણ કરાર ત્રણ વર્ષના સંઘર્ષ પછી યુક્રેનને અશક્ય પરિસ્થિતિમાં મૂકી શકે છે. એવી અટકળો છે કે બંને નેતાઓ કહેવાતા ‘શાંતિ માટે જમીન’ કરાર પર સંમત થઈ શકે છે. જેના હેઠળ યુક્રેનને લડાઈનો અંત લાવવાના બદલામાં તેનો પ્રદેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે.
પુતિન માને છે કે ડોનેટ્સક, લુહાન્સ્ક સહિત પૂર્વી યુક્રેનના ભાગો રશિયાનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે. જેને તેઓ રશિયાના પ્રભાવના ક્ષેત્રમાં જોવા માંગે છે. પુતિનનું લક્ષ્ય યુક્રેનના ઓછામાં ઓછા ચાર મુખ્ય પ્રદેશોને સત્તાવાર રીતે રશિયામાં જોડવાનું છે. જેથી ભવિષ્યમાં તેમને કોઈ પશ્ચિમી સમર્થન ન મળે અને આ ક્ષેત્રમાં રશિયાનું આર્થિક-વ્યૂહાત્મક પ્રભુત્વ રહે.
રશિયાની સુરક્ષા ચિંતાઓ
રશિયા માને છે કે જો નાટોના વિસ્તરણને કારણે યુક્રેન પશ્ચિમમાં જોડાય છે. તો તેની સરહદ અસુરક્ષિત બની જશે. ડોનબાસ, ખેરસન અને ઝાપોરિઝિયા જેવા વિસ્તારો કબજે કરવાથી રશિયાનો સુરક્ષા પટ્ટો મજબૂત બને છે. શીત યુદ્ધ દરમિયાન, સોવિયેત યુનિયનના વિસ્તરણવાદને રોકવા માટે નાટોની રચના કરવામાં આવી હતી. 1991 માં સોવિયેત યુનિયનના વિસર્જન પછી, રશિયાને આશા હતી કે નાટોનો વિસ્તાર થશે નહીં. જોકે, નાટોએ ધીમે ધીમે પૂર્વી યુરોપના તે દેશોનો સમાવેશ કરવાનું શરૂ કર્યું, જે અગાઉ સોવિયેત યુનિયનના પ્રભાવના ક્ષેત્રમાં હતા.


