સગર્ભા પત્નીએ પતિને તેની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી લેતાં બંનેએ ભેગા મળી તેના વાળ પકડી, મારકૂટ કરી હતી. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વાવડી વિસ્તારના ગૌતમ બુધ્ધનગરમાંરહેતી ચંદ્રિકાબેન નામની 30 વર્ષની પરિણીતાએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતાં. પુત્રીના જન્મથી પતિ અને સાસુ-સસરા નારાજ થઇ મેણાટોણા મારતા હતા. અવારનવાર માવતરેથી કરિયાવર ઓછો લાવ્યાનું પણ કહેતા હતાં. પતિને બીજી મહિલા સાથેના પ્રેમ સંબંધની જાણ થતાં આ બાબતે પૂછતાં પતિએ તમાચા ઝીંકી દીધા હતાં, જેથી માવતરના ઘરે જતી રહી હતી. જો કે બાદમાં પતિ જ તેડી ગયો હતો.
ત્યાર પછી પણ પતિ, સાસુ-સસરા નાની-નાની વાતમાં ઝગડો કરતા હતા. જેથી એકાદ વર્ષ પહેલા પુત્રીને લઇને ફરીથી માવતરના ઘરે જતી રહી હતી. શાપરમાં નાની બહેનની ઘર સામે રૂમ ભાડે રાખી રહેતી હતી. તે વખતે નણંદ અને પરિવારના બીજા સભ્યો સમજાવટ કરી સાસરે તેડી ગયા હતાં. જ્યાં પહોંચ્યા બાદ તેને પતિને સંબંધી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઇ હતી. આ બાબતે પૂછતા પતિએ ફરીથી તમાચા ઝીંક્યા હતાં.
સાસુ-સસરાને વાત કરતાં પુત્રનો પક્ષ લીધો હતો. તેના પેટમાં ગર્ભ હોવાથી ગઇ તા. 27નાં રોજ સારવાર માટે ઝનાના હોસ્પિટલ જતી હતી. પતિએ સાથે આવવાનો ઇન્કાર કરતાં એકલી રવાના થઇ હતી. થોડીવાર બાદ પાકીટ અને મોબાઇલ ઘરે ભૂલી ગયાનું યાદ આવતાં ઘરે ગઇ હતી. દરવાજો બંધ હોવાથી ધક્કો મારી ખોલતા સેટી ઉપર પતિ પ્રેમિકા સાથે મળી આવ્યો હતો.
તત્કાળ બંનેના ફોટા પાડવા જતાં પતિની પ્રેમિકાએ મોબાઇલ ફોન ઝૂંટવી ફોટા ડીલીટ કરી નાખ્યા હતાં. સેટી પર પડેલા પતિના ફોનમાંથી તેની પ્રેમિકાના ભાઇને કોલ કરતાં તેણે ઉશ્કેરાઇ જઇ, ઝગડો કરી, ગાળાગાળી કરી હતી. તે સાથે જ પતિ અને તેની પ્રેમિકાએ તેના વાળ પકડી, મારકૂટ શરૂ કરી હતી.
પતિની પ્રેમિકાએ કહ્યું કે આ વાત કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી દોડીને નીચે ફળિયામાં પહોંચતાં પતિ અને તેની પ્રેમિકા પણ દોડીને પાછળ ધસી આવ્યા હતાં. ફરીથી તેના વાળ પકડી મારકૂટ કરી હતી. સાસુ-સસરાએ વચ્ચે પડી છોડાવી હતી. 108માં સિવિલ હોસ્પિટલે સારવાર લીધા બાદ પતિ જીતેન્દ્ર, સસરા રમેશભાઈ અને સાસુ ભાનુબેન સહિત કુલ 5 સામે ફરિયાદ નોંધાવી હતી.


